ચીનમાં આગની બે અલગ-અલગ ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે. મૃતકોમાં અનેક શાળાના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે પ્રથમ ઘટના હેનાન પ્રાંતના યાનશાનપુ ગામમાં બની હતી, જ્યાં શુક્રવારે રાત્રે લગભગ 11 વાગે યિંગકાઈ સ્કૂલમાં આગની જાણ થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 વિદ્યાર્થીઓના મોત થયા છે.
સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી. સમાચાર એજન્સી પીટીઆઈએ ચીનની સમાચાર એજન્સી શિન્હુઆને ટાંકીને કહ્યું કે આગમાં દાઝી જવાને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર છે.
અન્ય એક ઘટનામાં, પૂર્વ ચીનના જિયાંગસુ પ્રાંતના ચાંગઝોઉ શહેરમાં શનિવારે સવારે એક પ્રોડક્શન વર્કશોપમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સવારે 3.38 કલાકે થયો હતો. આ અકસ્માતમાં અન્ય આઠ લોકોને થોડી ઈજા થઈ હતી. પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.