ભારત દેશ આઝાદીનાં ૭૫ વર્ષનો “આઝાદી કા અમૃત મહોત્સવ” મનાવી રહ્યું છે. વિકસિત ભારતનાં સ્વપ્નદ્રષ્ટા એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારતનાં તમામ નાગરિકોને તમામ પ્રકારનાં લાભ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકલ્પો હાથ ધર્યા છે. ભારતના અત્યાર સુધીના પીડિત, શોષિત અને વંચિતોને પણ આઝાદીના અમૃત કાળે દરેક સેવા, દરેક યોજનાનો લાભ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ શ્રી બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે ૧૫ નવેમ્બર ૨૦૨૩ જન જાતિ ગૌરવ દિવસનાં રોજ આદિ જૂથોના કલ્યાણ હેતુ “પ્રધાનમંત્રી- જનમન મિશન” પ્રારંભ કરવામાં આવ્યું.
દેશમાં ૭૦૦ થી પણ વધારે અનુસુચિત જનજાતિઓની ૧૦.૪૫ કરોડ જેટલી જનસંખ્યા છે જેમાંથી ૧૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૭૫ અનુસુચિત જનજાતિઓ કે જે અતિ પછાત છે તેઓને PARTICULARLY VULNERABLE TRIBAL GROUPS (PVTG) તરીકે સુનિશ્ચિત કરવામાં આવી છે. ભારતનાં ૨૦૦ જિલ્લાઓના ૨૨૦૦૦ ગામોના (Habitations) ૭.૫ લાખ પરિવારોમાં આ આદિજાતિ સમૂહના છે, દુર-દરાજનાં અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી કે ટેલિકોમની સુવિધાના અભાવમાં જીવન જીવી રહ્યા છે. આજે જ્યારે દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે આવા અતિ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા અનુસુચિત જનજાતિ સમૂહોને પણ પાયાની સુવિધા મળી રહે તે હેતુથી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ભારત સરકારે પ્રધાનમંત્રી PVTG ડેવલોપમેન્ટ મિશનની ઘોષણા કરી જેથી સામાજિક અને આર્થિક રીતે એક નિર્ધારિત સમય સીમામાં આ PVTG સમૂહોનો વિકાસ કરી શકાય. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (પી.એમ.- જનમન) અંતર્ગત કેન્દ્રીય કેબીનેટ દ્વારા ૦૯ મંત્રાલયો હેઠળની ૧૧ ભૌતિક સુવિધા માટે ૨૪૧૦૪ કરોડ રૂ.નુ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.
ગુજરાત રાજયમાં PVTG ની ૭૫ જાતિઓ પૈકી ૦૫ જાતિઓ કોલધા, કાથોડી, કોટવાળીયા, સીદી અને પઠાર વસવાટ કરે છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં સીદી સમુદાયોનાં લોકો રાજકોટ, ગોંડલ, ધોરાજી અને ઉપલેટામાં કુલ ૩૫૮ પરિવારોમાં ૧૬૩૪ વ્યક્તિઓ વસવાટ કરે છે.
કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ PVTG ને ઘર આંગણે મળી રહે તેમજ ૧૦૦% લાભો તમામને મળી રહે તે આશયથી આ મિશન શરુ કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટ જિલ્લામા કલેકટરશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં તા. ૨૮/૧૨/૨૦૨૩ થી રોજે રોજ અલગ અલગ ટીમો બનાવી અને વિવિધ કેમ્પો કરી આદિજાતિ જૂથોના લોકોને વિવિધ યોજનાના લાભો આપવામાં આવ્યા છે. જેમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ૪૭૨, ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત ૧૨, ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ૨૩, ઉજજવલા યોજના અંતર્ગત ૧૧, જન ધન યોજના અંતર્ગત ૧૦, આધાર કાર્ડ ૧૯, નળ કનેક્શન ૧૨ અને આવાસ યોજના અંતર્ગત ૧ લાભાર્થીને લાભ આપવામાં આવ્યા છે.
સર્વે અનુસાર રાજકોટ જિલ્લામાં સીદી સમુદાયના કુલ ૩૫૮ ઘરોમાં કુલ ૧૬૩૪ વસ્તી જણાઈ છે. જેમાં રાજકોટ શહેરમાં ૧૬૭ પરિવારોમાં કુલ ૮૭૦ લોકો, ગોંડલમાં ૧૨૬ પરિવારોમાં ૪૮૮ લોકો, ધોરાજીમાં ૨૭ પરિવારોમાં ૧૨૨ લોકો, ઉપલેટામાં ૩૭ પરિવારોમાં ૧૪૭ લોકો તથા કોટડાસાંગાણીમા ૦૧ પરિવારમાં ૦૭ લોકોની વસ્તી રહે છે. તમામ સીદી પરિવારોને IEC કેમ્પેઈન અંતર્ગત PM-JANMAN કાર્યક્રમની માહિતી આપવામાં આવેલી છે. રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કુલ ૧૯૩ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ એનાયત કરેલ છે.
આરોગ્ય શાખા દ્વારા ૧૦ કેમ્પનું આયોજન કરીને ગોંડલ, ઉપલેટા અને ધોરાજીમાં કુલ સીદી સમુદાયની કુલ વસ્તી ૭૬૪ સામે બાકી રહેલા ૨૭૯ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે તેમજ ૨૨૨ લાભાર્થીઓના સિક્લસેલ ટેસ્ટ અને ૭૦૬ લાભાર્થીઓના ટીબી સ્ક્રીનીંગ પણ કરવામાં આવેલ છે. પી.જી.વી.સી.એલ. દ્વારા ધોરાજી અને ઉપલેટા તાલુકામાં દરેક સીદી પરિવારને વીજ કનેક્શન અને ગોંડલ તાલુકામાં કુલ ૧૭ સીદી પરિવારોને હાલ સુધીમા વીજ કનેક્શન આપવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત આઇ.સી.ડી.એસ. દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને કોટડા સાંગાણી તથા રાજકોટમાં વસવાટ કરતા સીદી સમુદાયના બાળકોને આંગણવાડીનો લાભ આપવામાં આવે છે તેમજ સીદી સમુદાયના વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો પણ કાર્યરત છે. ત્યારે ૧૫ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીશ્રી આદિમ જૂથોના લોકો સાથે સંવાદ કરી તેમની લાગણીઓના સહભાગી બનશે.
આઝાદીના સુવર્ણકાળના અવસરે ૨૦૪૭માં વિકસિત ભારતમાં એક પણ વ્યક્તિ એક પણ લાભથી વંચિત ન રહે તે માટે અમૃતકાળથી જ પ્રધાનમંત્રીશ્રીએ ભારતને ફરી વિશ્વની સોનચિડીયા બનાવવા મિશન મોડમા વિવિધ આયોજન હાથ ધર્યા છે જેમા રાજકોટ જિલ્લાની ટીમ ઉત્કૃષ્ટ કામગીરી કરી વિકસિત રાજકોટના પાયાને મજબૂત કરી રહી છે.