દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડના હસ્તે રાજકોટમાં છઠ્ઠી જાન્યુઆરીએ નવી જિલ્લા કોર્ટનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આ ઉદઘાટન કાર્યક્રમની વ્યવસ્થાઓના સંદર્ભે ઉચ્ચ અધિકારીઓની મિટિંગ યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ, હાઈકોર્ટના જસ્ટિસ તેમજ અન્ય મહાનુભાવોના આગમનથી લઈને મુખ્ય કાર્યક્રમ તેમજ સંલગ્ન તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિચારણા તેમજ કાર્ય વહેચણી કરવામાં આવી હતી.
આ સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ગાર્ડ ઓફ ઓનર આપવા, તેઓની ભોજન વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ સંદર્ભે વિવિધ વિભાગના ૩૬ ઉચ્ચ અધિકારીઓને વિવિધ ફરજો સોપવામાં આવી છે.
આ મિટિંગમાં રાજકોટ સિટી ડી.સી.પી. ઝોન-૧ શ્રી સજ્જનસિંહ પરમાર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધી, આસિ. કલેક્ટર સુશ્રી દેવાહુતિ, આસિ. કલેકટર સુશ્રી નિશા ચૌધરી, અધિક કલેકટર સુશ્રી ઇલાબહેન ચૌહાણ, પી.જી.વી.સી.એલ.ના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કે.બી. શાહ, માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેરશ્રી કે.એન. ઝાલા, પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી અને શ્રી રાહુલ ગમારા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરશ્રી ઈલેશ ખેર તેમજ અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.