લગ્ન નક્કી કરતા સમયે સૌથી મોટો પ્રશ્ન બજેટનો આવે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં પડે. કેમકે અમે તમને જે વાત કરવા જઈ રહ્યા છીએ તે પ્રમાણે તમે તમારા લગ્નમાં ખર્ચ નહીં પરંતુ કમાણી કરી શકશો. જી હાં, તમને જો એવો સવાલ થતો હોય કે કેવી રીતે, તો આ આખો આર્ટિકલ વાંચો.
કમૂરતા પૂરા થઈ ગયા છે, અને લગ્નગાળો ફરી શરૂ થઈ ચૂક્યો છે. તમારા ઘરે પણ કંકોત્રીઓ આવી જ ગઈ હશે, અથવા તો તમારા પોતાના કે પછી બીજા કોઈના લગ્ન જરૂર હશે. હવે લગ્ન એટલે આપણા માટે મોટો ખર્ચો, જેના માટે પરિવાર આખી જીંદગી મહેનત કરીને પૈસા ભેગો કરતો હોય છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે તમારા લગ્નમાં તમે ખર્ચો નહીં પણ કમાણી કરી શકો છો તો? સવાલ થોડો વિચિત્ર લાગે તેવો છે, પરંતુ આપણા દેશમાં આ નવો ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં લગ્નના યજમાનો પોતાના જ લગ્નથી કમાણી કરી શકે છે. આ માટે શું કરવું પડે, એની તમામ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપી રહ્યા છે, તો આને સાચવીને રાખજો.
જો તમારે તમારા જ લગ્નમાંથી થોડી ઘણી કમાણી કરવી છે, જેથી લગ્નનો ખર્ચો સેટલ થઈ જાય અથવા તો તમે તમારા ગ્રાન્ડ મેરેજ અને બધા જ ફંક્શનનું સપનું પુરુ કરી શકો છો, તો આ ખૂબ સરળ વાત છે. આ માટે તમારે માત્ર કેટલાક વિદેશી મહેમાનોને તમારા લગ્નમાં આમંત્રિત કરવાના છે, જેઓ ભારતીય સંસ્કૃતિને જોવા જાણવા ઈચ્છે છે.
અતિથિ દેવો ભવ આપણી સંસ્કૃતિ છે. આપણે ભારતીયો બેસ્ટ હોસ્ટ છીએ. ત્યારે તમે વિદેશી મહેમાનોને તમારા મહેંદી, પીઠી, સંગીત અને લગ્ન વગેરે ફંક્શનમાં બોલાવીને કમાણી કરી શકો છો. આ માટે ઈન્ટરનેટ પર Join My Wedding સહિતની બીજી ઘણી વેબસાઈટ છે. જેના પર તમે જઈને તમારા લગ્નની ડેટ, ફંક્શનની ડિટેઈલ્સ અપલોડ કરી શકો છો. આ જ વેબસાઈટ પરથી જે વિદેશી લોકો ભારતીય લગ્ન જોવા અને અટેન્ડ કરવા ઈચ્છે છે, તેઓ તમારા લગ્નની ટિકિટ ખરીદશે.
જેમ કે joinmywedding.com વેબસાઈટ પર આગામી મહિનાના સંખ્યાબંધ લગ્નનું કેલેન્ડર અવેલેબલ છે. જેમાંથી ગેસ્ટ પોતાને ગમતા કપલના લગ્નની ટિકિટ ખરીદી શકે છે. આ માટે તેઓ એક દિવસના 150 ડૉલર્સ અને બે દિવસના 250 ડૉલર્સ ચૂકવે છે. જેમાંથી કેટલોક ભાગ વેબસાઈટ રાખે છે અને બાકીનો ભાગ લગ્ન યોજનાર પરિવારને મળે છે.
અહીં તમારે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે જે વિદેશી મહેમાનો તમારા લગ્નમાં ટિકિટ લઈને આવે છે, તેમને પૂરતી સુવિધા મળી રહે. આમાં અકોમોડેશન સામેલ નથી. તમારે બસ તેમના ફૂડ અને તેમને મજા આવે તેનું જ ધ્યાન રાખવાનું છે. આ માટે તમે તમારા કોઈ મિત્ર કે કઝિનને તેમની સાથે ગાઈડ તરીકે રાખી શકો છો.
સાથે જ તમારે વેબસાઈટને તમારા લગ્નમાં કયા કયા ફંક્શન્સ છે, ક્યા લોકેશન પર ફંક્શન્સ છે, તે બધી જ માહિતી આપવાની છે. તેઓ તમારા લગ્નમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવું કે નહીં તે નક્કી કરશે. ત્યાર બાદ તમારા લગ્ન પ્રસંગની માહિતી વેબસાઈટ પર મૂક્શે. અને બસ, તમારા ગેસ્ટ ટિકિટ ખરીદશે અને તમારા લગ્નનો આનંદ ઉઠાવશે.