પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે “મહિલા સશક્તિકરણ” વિષયક કાર્યક્રમ યોજાયો

પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના ઉપલક્ષ્યમાં “મહિલા સશક્તિકરણ” વિષયક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા, ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઇન અને “SHE” ટીમની સેવા સાથે સંકળાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

આ તકે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે આર.એમ.ઑ. તરીકે ફરજ બજાવતાં ડૉ. નુતને જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની જવાબદારી નિભાવવામાં પોતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય વિશે ઘણીવાર સજાગ રહેતી નથી. સ્વને પાછળ રાખીને પરિવારની ચિંતા કરતી હોય છે. ત્યારે પરિવારની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમજ મહિલા સશક્તિકરણની શરૂઆત સ્વથી કરવા જણાવ્યું હતું અને પોતાના સ્વપ્નને પંખ આપવા કહ્યું હતું.

આ તકે સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકા પરમારે ૧૦૮, ૧૮૧ મહિલા અભ્યમ અને “SHE” ટીમની મહિલા કર્મીઓની ઉમદા કામગીરીને બિરદાવી હતી. તેમજ પોતાનામાં આત્મવિશ્વાસ કેળવીને આત્મનિર્ભર બનવાની સાથે રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા  પ્રેરણા આપી હતી.

વધુમાં કોન્સ્ટેબલશ્રી રાજલ ગઢવીએ “SHE” ટીમ, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન અને સાયબર ક્રાઇમની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી હતી. તેમજ પોતાની સાથે થયેલ અન્યાય સામે ડર્યા વિના હિંમત પૂર્વક પોલીસને ફરિયાદ કરવા જણાવ્યું હતું. તદુપરાંત ગાયનેકોલોજિસ્ટ ડૉ. સંધ્યાએ સર્વાઇકલ કેન્સર વિશે તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરીના શ્રી હિરવાબેન રાઠોડે જાતીય સતામણી અંગેના કાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. આ વેળાએ પદ્મકુંવરબા હોસ્પિટલના અધિક્ષકની શ્રી ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમના કાઉન્સેલર્સ, ૧૦૮ ઇમરજન્સીના મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવશ્રી યોગેશ જાની, શ્રી જયસિંહ જાની, શ્રી અભિષેક શર્મા અને શ્રી કિરણકુમાર પરમાર અને પોલીસ વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *