ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈન મહિલાઓની મદદે ૨૪*૭ રહીને સામાજિક નિર્ભયતાનું અભય વચન પૂરું પાડે છે. ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ઘટનામાં અભયમ્ ટીમે પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવીને તૂટતા પરિવારને બચાવ્યો હતો.
રાજકોટ શહેરમાં સીટી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો ૧૮૧ અભયમ્ ટીમને મદદ માટે કોલ આવ્યો હતો. અભયમ્ ટીમ તુરંત મહિલાએ જણાવ્યા સ્થળે પહોંચી ગઈ હતી. કાઉન્સીલરશ્રી શિલ્પાબેન પરમાર એ વાતચીત કરતા જાણવા મળ્યું કે મહિલાએ બે વર્ષ અગાઉ કોર્ટ મેરેજ કરેલા છે. તેમને બે મહિનાનું બાળક છે. પતિ-પત્ની વચ્ચે અંગત કારણોસર શંકા ઉભી થતા વારંવાર ઝઘડા થતા હતા. મહિલા સંતાનને લઈને પિયર ચાલી ગઈ હતી. ત્યાર બાદ પતિએ મહિલા પાસેથી સંતાન લઇ લીધું હતું. પીડિતા બાળકને લેવા માટે સાસરે ગઈ તો તેને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી. જેથી, પીડિતાએ અભયમ્ ટીમનો સહારો લીધો હતો.
અભયમ્ ટીમે પરિણીતાનું કાઉન્સેલીંગ કર્યા બાદ તેને સાથે લઈને તેના સાસરે પહોંચી હતી. પતિ-પત્ની બંનેને સમગ્ર મામલે કાયદાકીય માહિતી અને સૂચનો આપ્યા હતા. તેઓ બંનેને શાંતિથી સમજાવીને સુખદ સમાધાન કરાવી આપ્યું હતું. આમ, અભયમ્ ટીમે પરિણીતાની મદદ કરીને સરાહનીય કામગીરી કરી હતી.