ઓપરેશન અજય હેઠળ અત્યાર સુધીમાં પાંચ વિમાનો દ્વારા લગભગ 1 હજાર 200 લોકોને ઈઝરાયેલથી સ્વદેશ લાવવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે, ઓપરેશન અજય હેઠળ અત્યાર સુધીમાં પાંચ વિમાનો દ્વારા લગભગ 1 હજાર 200 લોકોને ઈઝરાયેલથી સ્વદેશ લાવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, આ નાગરિકોમાં 18 નેપાળી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

શ્રી બાગચીએ કહ્યું કે, ભારત દ્વારા પરિસ્થિતિના આધારે તેલ અવીવથી વધુ ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં, શ્રી બાગચીએ કહ્યું કે, ભારતે ઇઝરાયેલ પરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ભારતે નાગરિકોની જાનહાનિ અને માનવીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું કડક પાલન કરવાની વિનંતી કરી છે.

તેમણે કહ્યું કે, વર્ષ 2002થી 2023 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સીમાં 29.53 મિલિયન ડૉલરનું યોગદાન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વાર્ષિક યોગદાન 1.25 મિલિયનથી વધારીને 2018માં 5 મિલિયન ડૉલર કરવામાં આવ્યું છે. ભારતે આગામી બે વર્ષો માટે 50 લાખનું યોગદાન આપવાનું વચન આપ્યું છે.

માલદીવ સાથેના સહકાર અંગેના અન્ય પ્રશ્નના જવાબમાં શ્રી બાગચીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં માલદીવની દરિયાઈ સુરક્ષા માટે 450 થી વધુ બહુપક્ષીય મિશન હાથ ધરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *