ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 2 મેચની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ હવે બંને ટીમો 3 મેચની વનડે શ્રેણીમાં એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે યજમાન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની પ્રથમ વનડે મેચ રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની અનુભવી સ્ટીવ સ્મિથ સંભાળશે. પેટ કમિન્સના સ્થાને સ્મિથને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ODI શ્રેણીમાં કમિન્સ સહિત તેના 5 મોટા ખેલાડીઓને આરામ આપ્યો છે. ટ્રેવિસ હેડ વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. બંને ટીમો વનડે સીરીઝ બાદ 3 મેચની ટી20 સીરીઝમાં આમને-સામને થશે. વર્તમાન પ્રવાસ પર, વિન્ડીઝે ODI શ્રેણી પહેલા બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી ડ્રો કરી હતી. કેરેબિયન ટીમે ગાબા ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વનડે શ્રેણીમાં પણ યજમાન ઓસ્ટ્રેલિયાએ કેરેબિયન ટીમથી સાવધાન રહેવું પડશે.
ઓસ્ટ્રેલિયન ટીમ (AUS vs WI) વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં અત્યાર સુધી ઘરઆંગણે અજેય રહી છે. કાંગારૂ ટીમની સ્થિતિ જાળવી રાખવાની જવાબદારી સ્ટીવ સ્મિથના ખભા પર છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામે સ્મિથનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 2010માં પહેલીવાર વેસ્ટ ઈન્ડિઝ સામે ODI રમનાર સ્મિથે કેરેબિયન ટીમ વિરુદ્ધ 5 ઇનિંગ્સમાં 277 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 55.40 રહી છે જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 74.06 રહ્યો છે. સ્મિથે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં 3 અડધી સદી ફટકારી છે.કમિન્સ, સ્ટાર્ક, હેઝલવુડ, માર્શ અને કેરી જોવા મળશે નહીં. પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની સાથે મિશેલ માર્શ અને એલેક્સ કેરી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં જોવા મળશે નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના 5 મોટા ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત ODI રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે પેટ કમિન્સની કેપ્ટન્સીમાં ભારતમાં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.