રાજકોટ તાલુકાના પરાપીપળીયા અને વાજડીગઢમા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને ઘર આંગણે મળ્યો આયુષ્યમાન કાર્ડ અને આવાસનો લાભ

લોકોને ઘરઆંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૧ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના પરાપીપળીયા અને વાજડીગઢ ગામે આવી પહોંચ્યો હતો. અહીં પરંપરાગત રીતે આ રથના વધામણાં કરાયા હતા.

આ સાથે વિવિધ લાભાર્થીઓને આવાસ, આયુષ્યમાન કાર્ડ, ઉજજવલા તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન તથા ઉન્નતિ અંગે લાભાર્થીશ્રી ભૂપતભાઇ વાંસજાળીયા, ઉષાબેન ઝાલા, અરવિંદભાઈ વેકરીયા, મૈસુરભાઈ કોઠીવારે પોતાની કહાની રજૂ કરી હતી.


મહત્વનું છે કે, આ ગામોમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ બંને ગામો ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી રાજાભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનભાઇ કથીરિયા, તાલુકા સદસ્ય પ્રતિનિધિ શ્રી વિક્રમભાઈ હુંબલ, અગ્રણી શ્રી જે.કે.પીપળીયા, પરાપીપળીયાના સરપંચશ્રી વીણાબેન હુંબલ, વાજડીગઢના સરપંચશ્રી ભુપેન્દ્રસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી કે.બી.ધોરીયા અને વર્ષાબા ઝાલા, પ્રાથમિક શાળા આચાર્ય શ્રી સંધ્યાબેન પંડ્યા તથા આંગણવાડી વર્કરો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *