વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની માલદીવના મંત્રીઓ દ્વારા મજાક ઉડાવતી ટીપ્પણી કરવામાં આવી હતી. જે વિવાદ બાદ માલદીવની મુશ્કેલી વધી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી માલદીવના રાજદ્વારીને સમન્સ પાઠવીને બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવવાના વિવાદ પર માલદીવ સરકારે મોટી કાર્યવાહી કરી છે. માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કરી દીધા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પણ તેમના નિવેદનોને અંગત ગણાવ્યા હતા.
ભારતે સત્તાવાર રીતે માલદીવ સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. આના પર માલદીવ સરકારે કડક પગલાં લીધા અને ડેપ્યુટી મિનિસ્ટર (યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલય) મરિયમ શિઉના, નાયબ પ્રધાન (પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય) હસન ઝિહાન અને નાયબ પ્રધાન (યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલય) માલશાને સસ્પેન્ડ કર્યા.
નવી સરકાર આવ્યા બાદ બગડી રહ્યા હતા સંબંધો
મોહમ્મદ મુઇઝ્ઝુની નવી સરકાર આવ્યા બાદ માલદીવ સાથે ભારતના સંબંધો બગડી રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત દરમિયાન શેર કરેલી કેટલીક તસવીરો પર આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે આ વાતને વેગ મળ્યો હતો.
ઝાહિદ રમીઝે આપ્યું હતુ એક વિવાદાસ્પદ નિવેદન
આ દરમિયાન પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતે ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ લક્ષદ્વીપની તુલના માલદીવ સાથે કરી રહ્યા છે, જે તેના સુંદર બીચ માટે જાણીતું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીના સભ્ય ઝાહિદ રમીઝે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવી અને તેમની તસવીરો પર ટિપ્પણી કરી હતી.
રમીઝે 5 જાન્યુઆરીએ વધુ એક ટ્વિટ શેર કરી અને કહ્યું કે નિઃશંકપણે આ એક સારું પગલું છે. પરંતુ ભારત ક્યારેય આપણી સમાન ન હોઈ શકે. માલદીવ પ્રવાસીઓને જે સેવા આપે છે તે ભારત કેવી રીતે આપશે? તેઓ આપણા જેટલી સ્વચ્છતા કેવી રીતે જાળવી શકશે? તેમના રૂમમાં આવતી દુર્ગંધ તેમના માટે અને પ્રવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા હશે.
મરિયમ શિયુનાએ પીએમ મોદી પર પણ કરી હતી વિવાદાસ્પદ પોસ્ટ
યુઝર્સ ઝાહિદ રમીઝને તેની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો માલદીવ પર સતત પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. ભારતીય યુઝર્સે #BoycottMaldives અભિયાન ચલાવી રહ્યા છે. ઝાહિદ રમીઝ ઉપરાંત મંત્રી મરિયમ શિયુનાએ પણ પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જો કે, બાદમાં શિયુનાએ તેની પોસ્ટ ડિલીટ કરી દીધી.
શું છે માલદીવ વિવાદ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની માલદીવના મંત્રીઓ દ્વારા મજાક ઉડાવતી ટીપ્પણી કરવામાં આવી હતી. તેમણે ટીપ્પણી કરતા જણાવ્યું હતુ કે, ભારત ક્યારેય આપણી એટલે કે માલદીવ સમાન ન હોઈ શકે. માલદીવ પ્રવાસીઓને જે સેવા આપે છે તે ભારત કેવી રીતે આપશે? તેઓ આપણા જેટલી સ્વચ્છતા કેવી રીતે જાળવી શકશે? તેમના રૂમમાં આવતી દુર્ગંધ તેમના માટે અને પ્રવાસીઓ માટે સૌથી મોટી સમસ્યા હશે. જેને લઈને વિવાદ શરૂ થયો હતો.