નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આજે સાંજે 6 વાગે CAAના નિયમો અંગેની સૂચના જારી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) નિયમોનું નોટિફિકેશન બહાર પાડવું એ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય છે. CAA માટે નિયમો અને ઓનલાઇન પોર્ટલ તૈયાર છે.
CAA નોટિફિકેશન ક્યારે આવશે?
તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદા માટે નોટિફિકેશન બહાર પાડવું એ એક માસ્ટર સ્ટ્રોક છે. નોટિફિકેશન જાહેર થયા બાદ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ થઈ ગયો છે.
CAA કાયદો ક્યારે પસાર થયો?
CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી પરંતુ દેશના ઘણા ભાગોમાં તેની સામે વિરોધ થયો હતો. આ કાયદો હજુ અમલમાં આવ્યો નથી કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી જાહેર કરવાના બાકી છે.
CAA અનુસાર કોને મળશે ભારતીય નાગરિકતા?
CAA નિયમો જારી થયા પછી 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા લોકોને જ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
CAAમાં કયા ધર્મોનો સમાવેશ થાય છે?
CAAમાં છ બિન-મુસ્લિમ સમુદાયો, હિંદુ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને પારસીનો સમાવેશ થાય છે. જો તેઓએ 31 ડિસેમ્બર 2014ના રોજ અથવા તે પહેલા ભારતમાં આશ્રય લીધો હોય તો જ તેઓ ભારતીય નાગરિકતા મેળવી શકે છે.
અમિત શાહે CAAને લઈને મોટી વાત કહી
તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તે જ સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર આ અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
શું છે નાગરિક્તા સંશોધન કાયદો(CAA)
સીટીઝન અમેન્ડમેન્ટ બિલ(Citizenship Amendment Bill-2019) સંસદમાં પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની મંજુરી બાદ નાગરિક્તા સુધારા કાયદો બની ગયો છે. આ કાયદાના કારણે હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુ-બાજુના દેશમાંથી ધાર્મિક હેરાનગતિના કારણે ત્યાંથી ભાગીને શરણાર્થી તરીકે ભારતમાં આવેલા હિન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા(Citizenship) આપવામાં આવશે.