મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાન

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા આવેલાં ડી.પી.વર્લ્ડ ગ્રુપનાં ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મહાત્મા મંદિર ખાતે મુલાકાત કરીને ગુજરાત સરકારનાં પ્રોએક્ટીવ અભિગમની પ્રસંશા કરી હતી.

તેમણે દુબઈની પેટર્ન પર ગુજરાતમાં પોર્ટસ, લોજિસ્ટીક્સ અને સપ્લાય ચેન વિકસાવવા માટે રાજ્ય સરકાર સાથે સહભાગીતા માટે તેઓ ઉત્સુક છે તેમ જણાવ્યું હતું. નવી હાઈટેક ઇન્ડસ્ટ્રીઝને ગુજરાત તરફ લાવવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી.

શ્રીયુત સુલતાન અહેમદ બિન સુલેમાને ભારતને એક્સપોર્ટ હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા મેક ઇન ઇન્ડીયાનાં ઇનિશીયેટીવની પ્રસંશા કરી હતી.

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટથી ગુજરાતમાં મોટા પાયે રોકાણો આવ્યા છે અને વિકાસ ઉન્નત બન્યો છે, એટલું જ નહીં ફોર્ચ્યુન 500 પૈકીની 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં છે તે આ સમિટની સફળતા દર્શાવે છે એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડી.પી. વર્લ્ડનાં વિઝનને આવકારીને પોર્ટ્સ તથા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉપરાંત, ગ્રીન ફિલ્ડ પોર્ટ માટે પણ તેમની તજજ્ઞતા નો લાભ ગુજરાતને મળે તે દિશામાં આગળ વધવા નો વિચાર વ્યક્ત કર્યો હતો.

પોર્ટલેડ ડેવલપમેન્ટથી ગુજરાતને દરિયાઈ માર્ગથી વેપાર, સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીનાં મુખ્યઅગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથ, મુખ્યસચિવ શ્રી રાજકુમાર, અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીનાં સલાહકાર શ્રી એસ.એસ.રાઠૌર તેમજ વરિષ્ઠ સચિવશ્રીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *