15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનારી ભારત સામેની મેચ માટે ઈંગ્લેન્ડના પ્લેઈંગ 11માં બદલાવ થવાનો કન્ફર્મ છે. ઈંગ્લેન્ડ શ્રેણીમાં પ્રથમ વખત બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમ્સ એન્ડરસનની રમતની પુષ્ટિ થઈ છે. આ સિવાય આ સીરીઝમાં પહેલીવાર ઈંગ્લેન્ડ ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને પણ પ્લેઈંગ 11નો ભાગ બનાવી શકે છે. જોકે, રોબિન્સન રમવાના કિસ્સામાં સ્પિનર રેહાનને બહાર બેસવું પડી શકે છે. ઈંગ્લેન્ડનો નંબર વન સ્પિનર જેક લીચ ઈજાના કારણે છેલ્લી ત્રણ મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે.
ભારત સામે અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ 11માં માત્ર એક ફાસ્ટ બોલરને રાખીને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ હવે આ વ્યૂહરચના બદલવાનું વિચારી રહ્યું છે. ટોમ હાર્ટલી અને શોએબ બશીર ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ તરફથી રમવાનું નિશ્ચિત છે. આ સિવાય એન્ડરસન અને રોબિન્સન પ્લેઇંગ 11નો ભાગ હશે. જો રૂટ ત્રીજા સ્પિન બોલરની ભૂમિકા ભજવશે. આ સીરીઝમાં બોલર તરીકે રૂટ અત્યાર સુધી ઘણો સફળ રહ્યો છે. જોકે, માર્ક વૂડને ફરી એકવાર પ્લેઈંગ 11માંથી બહાર બેસવું પડી શકે છે.
ઈંગ્લેન્ડના ત્રણ સ્પિનરો સાથે નહીં ઉતરવા પાછળનું બીજું કારણ પિચ છે. એવી અટકળો છે કે રાજકોટની પીચ રેન્ક ટર્નર નહીં હોય. રાજકોટની પીચ એવી હશે જ્યાં સ્પિનરો ઉપરાંત બેટ્સમેન અને ફાસ્ટ બોલરોને પણ ફાયદો થશે. આ કારણથી ઈંગ્લેન્ડ ત્રણને બદલે માત્ર બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. હાલમાં ઈંગ્લેન્ડ પાસે સ્પિનરોમાં વધુ વિકલ્પ નથી. જેક લીચના બહાર નીકળ્યા પછી, તેમના સ્થાનની જાહેરાત કરવામાં આવી ન હતી. રેહાન વિઝા વિવાદમાં ફસાયેલો જોવા મળે છે. રેહાનને ત્રીજી ટેસ્ટમાં રમવા દેવામાં આવશે કે નહીં તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી.