મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેમના હસ્તે વિંછીયામાં કુલ મળીને ૩૩૭.૦૬ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં વિંછીયા તાલુકાના ભડલી ગામે ઘેલો નદી પર રૂપિયા ૫.૧૫ કરોડના ખર્ચે બનેલા મેજર બ્રિજના લોકાર્પણ પણ સામેલ છે.
રાજકોટ હસ્તકના જસદણ – ભડલી – ગઢડા સ્ટેટ હાઈવે પર ભડલી ગામે ઘેલો નદી પર મેજર બ્રિજ બનાવવાની માગ ઘણા સમયથી હતી. આથી સરકારે તેને પ્રાથમિકતા આપીને બ્રિજના કામ મંજૂર કર્યા હતા અને રૂપિયા ૫.૧૫ કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માર્ગ રાજકોટ જિલ્લાના જસદણ તથા વિંછીયા તાલુકાને બોટાદ જિલ્લાના ગઢડા તથા અમરેલી જિલ્લાના બાબરા સાથે જોડતો મહત્વનો માર્ગ છે.
આ મેજર બ્રિજ બનતાં ચોમાસામાં વરસાદ દરમિયાન પાણીના ઓવરટેપિંગના લીધે પડતી મુશ્કેલીઓ દૂર થશે. તેમજ લોકોને એક ગામથી બીજા ગામ જવા માટે ઘણી સરળતા રહેશે. ખાસ કરીને ચોમાસામાં આવન-જાવન માટે થતી તકલીફો આ બ્રિજથી દૂર થશે.