ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો વારંવાર આ અંગે ફરિયાદ કરે છે. ઘણી વખત એવું બને છે કે લાંબા સમય પહેલા બુકિંગ કરાવ્યા પછી પણ તેમની ટિકિટ વેઈટિંગ જ રહે છે. હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં દરેકને કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થઈ જશે.
રેલવે મંત્રી અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે આગામી પાંચ વર્ષમાં લગભગ તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાનું શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે ટ્રેનમાં મુસાફરી કરનાર દરેક વ્યક્તિને કન્ફર્મ ટિકિટ મળવી જોઈએ.
ઝડપથી બની રહ્યા છે રેલ્વે ટ્રેક
કેન્દ્રીય મંત્રીએ ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘આગામી પાંચ વર્ષમાં રેલ્વેની ક્ષમતા એટલી વધી જશે કે જે કોઈ રેલ્વે દ્વારા મુસાફરી કરવા માંગે છે તે સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે.’ તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા એક દાયકા દરમિયાન રેલવેમાં વિકાસની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેનું ઉદાહરણ આપતા વૈષ્ણવે કહ્યું કે 2004 થી 2014 વચ્ચે માત્ર 17,000 કિલોમીટરનો રેલ્વે ટ્રેક બનાવવામાં આવ્યો હતો. જ્યારે 2014 થી 2024 દરમિયાન 31,000 કિલોમીટરના નવા ટ્રેક બનાવવામાં આવ્યા હતા. 2004 થી 2014 દરમિયાન લગભગ 5,000 કિમી રેલ્વેનું વીજળીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે છેલ્લા 10 વર્ષમાં 44,000 કિમી રેલ્વેનું વિદ્યુતીકરણ થયું છે. 2004-2014 સુધીમાં માત્ર 32,000 કોચ બનાવવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં 54,000 કોચ બનાવવામાં આવ્યા છે.
2026માં દોડશે પહેલી બુલેટ ટ્રેન!
રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રથમ બુલેટ ટ્રેન 2026 માં એક વિભાગમાં દોડવાનું શરૂ થશે. તેમણે કહ્યું કે અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.
આ માટે 290 કિલોમીટરથી વધુનું કામ થઈ ચૂક્યું છે. આ માટે આઠ નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. ઘણા એવા સ્ટેશન છે જેનું કામ પૂર્ણ થવાના આરે છે. 2026માં બુલેટ ટ્રેનના સંચાલન માટે ખૂબ જ ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.