ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ આજે તેમનો 70 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ પણ તેમની સાથેના ફોટો સોશિયલ મીડિયામાં મુકી શુભકામના પાઠવી હતી.
પાટીલે લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખપાવી દેનાર ગુજરાત ભાજપના કદાવર નેતા સી. આર પાટીલ એક સેવાભાવિ નેતા, કુશળ ચૂંટણી રણનીતિકાર હોવા સાથે એક આદર્શ અને પ્રેરણાદાઈ વ્યક્તિત્વ પણ ધરાવે છે. એક પોલીસ કોન્સ્ટેબલથી ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ બનવા સુધીની સી. આર પાટીલની સફર સંઘર્ષ અને શૌર્યની ગાથા છે.
વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITI માં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં. તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં .