ચક્રવાત મિચોંગના કારણે હાલમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. ચક્રવાતે તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. અહીં ભારે વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટનો રનવે પાણીમાં ડૂબી ગયો છે. સાથે જ પલ્લીકરનાઈમાં પૂરના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અહીં અનેક ગાડીઓ વહી ગઈ હતી.
આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવારે (5 ડિસેમ્બર) ના રોજ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે બાપ્તા નજીક દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે.
ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને ચક્રવાતની સ્થિતિનો તાગ મેળવ્યો. આ દરમિયાન ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓને કેન્દ્રીય મદદની ખાતરી આપી હતી.
આંધ્ર પ્રદેશના CMOનું કહેવું છે કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કામગીરી માટે તાત્કાલિક અને વ્યાપક પગલાં લીધા છે. ચક્રવાતને જોતા અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત જાહેર સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે અહીં અનેક વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક સહાય મળે તે માટે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે.