ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ અને વિધાનસભા પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની સુચારૂ અમલવારી માટે વિવિધ નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે, જેમાં ખર્ચ નિરીક્ષણના નોડલ ઓફિસર તરીકે ડી.ઈ.ઓ.શ્રી નવનાથ ગવ્હાણેને નિયુક્ત કરાયા છે.
ભારતનાં ચૂંટણી પંચ તરફથી ચૂંટણી ખર્ચ માટે નિયુક્ત થનાર ખર્ચના ઓબ્ઝર્વરને મદદરૂપ થવા માટે સરકારના અધિકારીઓ ફાળવવામાં આવે છે, જે અનુસંધાને ડી.ઈ.ઓ.શ્રી રાજકોટ જીલ્લા અંતર્ગત ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૮ થી ૭૨ વિધાનસભા મતવિસ્તાર તથા ૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૭૩ થી ૭૫ વિધાનસભા મતવિસ્તાર માટે ખર્ચ નિરીક્ષણના નોડલ ઓફિસર તરીકે જવાબદારી સંભાળશે. વિધાનસભા મતવિસ્તાર દીઠ મદદનીશ ખર્ચ ઓબ્ઝર્વર તરીકે એ.જી. ઓફીસ, કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્સ અને જી.એસ.ટી. ઓફીસના શીર્ષ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.
ડી.ઈ.ઓ.શ્રીનાં માર્ગદર્શન હેઠળ એકાઉન્ટીંગ ટીમો ખર્ચ અંગેના અહેવાલો અને રીપોર્ટ તૈયાર કરીને ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારનાં રીપોર્ટ રાજકોટ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રીને તેમજ ૧૧ પોરબંદર સંસદીય મતવિસ્તારનાં રીપોર્ટ પોરબંદર જિલ્લા કલેકટરશ્રીને મોકલવામાં આવશે. આ કામગીરી ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ ૩૭ દિવસ સુધી ચાલુ રહેશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે રાજકીય પક્ષો અને ઉમેદવારો વિવિધ રીતે, વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રચાર કરીને મતદારો સુધી પોતાની વાત પહોચાડવા માટે ખર્ચ કરતા હોય છે. કોઈ પણ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા નક્કી કરી છે અને નિયમો બનાવ્યા છે. જે મુજબ, ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા રૂ. ૯૫ લાખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા-પ્રચારમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ પણ ચૂંટણી પંચે નક્કી કર્યા છે. જો કોઈ ઉમેદવાર નિર્ધારિત મર્યાદાથી વધુ ખર્ચ કરે તો ગેરલાયક ઠરે છે. એટલે દરેક ઉમેદવારે મર્યાદામાં જ ખર્ચ કરવાનો હોય છે. ચૂંટણીમાં કરાતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષક ટીમ તહેનાત કરવામાં આવતી હોય છે.