કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢેઢીયા ગામે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણાં છે અને આપણે સૌ નરેન્દ્રભાઈ મોદીના છીએ. તેવા સમયે વડાપ્રધાનશ્રી દ્વારા લેવામાં આવેલા વિકસિત ભારતની સંકલ્પના અને તેને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર બનીને કાર્ય કરી રહ્યું છે. સમગ્ર દેશમાં જન આરોગ્ય કાર્ડ માટે પાંચ લાખની જોગવાઈ છે. તેની સામે ગુજરાતે પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ માટે દસ લાખ સુધીની જોગવાઈ કરી છે. અને તેનાથી પણ કદાચ વધુ જરૂર પડે તો મુખ્યમંત્રી રાહત નીધિમાંથી આ માટેનું ફંડ આપવાની જોગવાઈ કરીને સમગ્ર દેશમાં ગુજરાતે લીડ લીધી છે. સાંસદ શ્રી એ ઉમેર્યું હતું કે દરેક વંચિત અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવા માટેની આ યાત્રા છે.
ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે ગરીબ તથા વંચિતો હોય કે આપણા ધરતીપુત્રો હોય સરકાર સૌ કોઈ દરકાર રાખતા અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. જનહિતલક્ષી યોજનાનો લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.આ યાત્રાના માધ્યમથી સરકારની મહત્વની યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયના સભ્ય શ્રીઓ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી , મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી , સહિત અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.