પાપુઆ ન્યુ ગિનીમાં બુધવારે (10 જાન્યુઆરી) ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા, જેના કારણે સ્થિતિ ઘણી વણસી ગઈ હતી. બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દેશના વડા પ્રધાન જેમ્સ મારાપે ગુરુવારે (11 જાન્યુઆરી) રાજધાનીમાં 14 દિવસની કટોકટીની જાહેરાત કરી હતી.
મીડિયાને સંબોધતા, પાપુઆ ન્યુ ગિની PM એ કહ્યું, “આજે અમે આપણા દેશની રાજધાનીમાં 14 દિવસ માટે કટોકટીની સ્થિતિનું એલાન કરીએ છીએ. 1,000 થી વધુ સૈનિકો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.” નોંધનીય છે કે રમખાણોને કારણે દેશમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. આ સાથે પાટનગરની અનેક દુકાનોમાં મોટા પાયે લૂંટની ઘટનાઓ બની છે.
PMએ શાંતિની અપીલ કરી
મારાપે જણાવ્યું હતું કે રાજધાનીમાં તણાવ ઓછો થયો છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાની પોલીસ મોકલવામાં આવી છે. આ દરમિયાન તેમણે દેશના પોલીસ વડા તેમજ નાણા અને ટ્રેઝરી વિભાગના ટોચના અમલદારોને સસ્પેન્ડ કર્યા છે જ્યારે સરકાર રમખાણોના કારણોની સમીક્ષા કરી રહી છે. આ સાથે પીએમે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે હિંસા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. પીએમએ હિંસામાં સામેલ તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહીનું પણ આશ્વાસન આપ્યું છે.
કેવી રીતે હિંસા ફાટી નીકળી…
દેશની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં પગાર કાપ અને અન્ય માંગણીઓ અંગે પોલીસ, અન્ય સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં પોલીસની સામેલગીરીના કારણે વિરોધ હિંસક થતું ગયુ હતું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે દરેક જગ્યાએ લૂંટફાટ શરૂ થઈ ગઈ. ઘણી જગ્યાએ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. થોડી જ વારમાં આ રમખાણો પપુઆ ન્યુ ગિનીના લે (Lae) શહેર સુધી પણ પહોંચ્યુ હતું.