દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં શુક્રવારે EDએ મોટી કાર્યવાહી કરી છે. ભારત રાષ્ટ્ર સમિતિના MLC અને KCRની પુત્રી કે કવિતાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી બીઆરએસ નેતાને દિલ્હી લાવી રહી છે. વહેલી સવારે EDએ તેમના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.
કવિતાની 3 વખત પૂછપરછ કરાઈ
ખાસ વાત એ છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી કવિતાને સમન્સ જારી કર્યાના લગભગ બે મહિના પછી થઈ છે. ગત વર્ષે તેની ત્રણ વખત પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈ આ કેસમાં કવિતાની પૂછપરછ કરી ચૂકી છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ED પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું છે કે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ રામચંદ્ર પિલ્લઈ લાંચની ચુકવણી અને સૌથી મોટા કાર્ટેલ, સાઉથ ગ્રૂપની રચના સાથે સંકળાયેલા કૌભાંડમાં મુખ્ય વ્યક્તિઓમાંના એક હતા. ગયા વર્ષે દારૂના કૌભાંડમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ અરુણ રામચંદ્ર પિલ્લાઈ, અભિષેક બોઈનાપલ્લી અને બૂચી બાબુએ કર્યું હતું.
તપાસ બાદ EDએ શું કહ્યું?
તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે આ દક્ષિણ જૂથમાં તેલંગાણાના એમએલસી કવિતા, સરથ રેડ્ડી (અરબિંદો ગ્રૃપના પ્રમોટર), મગુંટા શ્રીનિવાસુલુ રેડ્ડી (એમપી, ઓંગોલે), તેમના પુત્ર રાઘવ મગુંટા અને અન્યનો સમાવેશ થાય છે.