ઓસ્ટ્રેલિયાની ટીમને પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગે આપ્યો હતો આ જીતનો ગુરૂમંત્ર, જે કહ્યું તે જ થયું

ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને 6ઠ્ઠી વખત ઐતિહાસિક ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ રિકી પોન્ટિંગ દ્વારા આપવામાં આવેલી સલાહ અંગે ચર્ચા શરૂ થઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ સમગ્ર વિશ્વ કપમાં અપરાજિત ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે 120 બોલમાં શાનદાર 137 રન બનાવ્યા જેમાં 14 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા પણ સામેલ હતા. ફાઈનલ મેચમાં ભારતના ફોર્મમાં રહેલા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા, ત્યારે કાંગારૂ બેટ્સમેનો સામે આયોજનનો અભાવ પણ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી ટાઈટલ જીતમાં પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો પણ મોટો ફાળો હતો.

હકીકતમાં લીગ તબક્કામાં પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની હાર બાદ ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. જે બાદ કાંગારૂ ટીમે ધમાકેદાર પુનરાગમન કર્યું અને બાકીની 8 મેચમાં સતત જીત નોંધાવી. લીગ તબક્કામાં દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમ સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા ફરી એકવાર નોક આઉટ મેચોમાં હરાવીને ક્રિકેટ ચેમ્પિયન બન્યું હતું. ઑસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચ્યા પછી ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ઇચ્છતા હતા કે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસની જગ્યાએ માર્નસ લાબુશેને પ્લેઈંગ ઈલેવનમાં રાખવા માંગતા હતા.

રિકી પોન્ટિંગે આપી હતી આ સલાહ

સ્ટોઇનિસ ફિટ હોવા છતાં ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજમેન્ટે રિકી પોન્ટિંગની સલાહને અનુસરી હતી. વિશ્વના સૌથી સફળ સુકાનીઓમાંના એક રિકી પોન્ટિંગનું માનવું હતું કે માર્નસ લાબુશેન સેમી ફાઈનલ અને ફાઈનલમાં તેની બેટિંગ ટેકનિકને કારણે મધ્ય ઓવરોમાં અસરકારક સાબિત થઈ શકે છે. આ વાતને સાબિત કરવા માટે પોન્ટિંગે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા અપરાજિત ભારતીય ટીમનું ઉદાહરણ આપ્યું અને કહ્યું, “આ ટૂર્નામેન્ટમાં માર્નસ લાબુશેનનું પ્રદર્શન બહુ ખરાબ નથી રહ્યું. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી મહત્વની બાબત એ છે કે મિડલ ઓર્ડરની બેટિંગ અત્યાર સુધી સારી રહી નથી. તેઓએ આનો ઝડપથી ઉકેલ શોધવો પડશે. જો વર્લ્ડકપ જીતવો હોય તો 11મીથી 40મી ઓવર વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. આ સમયગાળા દરમિયાન અમે ઘણી વિકેટો ગુમાવી છે. આ સમયગાળા દરમિયાન ભારતે માત્ર 20 વિકેટ ગુમાવી છે.

માર્નસ લાબુશેને મહત્વની ઇનિંગ રમી

રિકી પોન્ટિંગની સલાહ બાદ ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટે સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામેની પ્લેઇંગ ઇલેવનમાં માર્નસ લાબુશેનનો સમાવેશ કર્યો હતો. જ્યાં તેણે હેડ સાથે નાની પણ મહત્વની ભાગીદારી કરી હતી, પરંતુ ફાઇનલમાં તેણે પોતાની શાનદાર બેટિંગથી રિકી પોન્ટિંગના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ભારત સામેની ફાઇનલમાં જરૂરિયાત મુજબ રમીને તેણે 110 બોલમાં શાનદાર અણનમ 58 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 47 રનમાં 3 વિકેટ પડ્યા બાદ ઓસ્ટ્રેલિયાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યું અને લેબુશેને ટ્રેવિસ હેડ સાથે 192 રનની ભાગીદારી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *