ગઢડા તાલુકાનાં નિહાળા રેલ્વે સ્ટેશન પર 4 લોકોએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે મહિલા અને બે યુવકે અગમ્ય કારણોસર મોતને વ્હાલુ કર્યું છે. હાલ તો પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મૃતકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવતી ઘટનાં સામે આવી છે. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતકોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
ઘટનાની વાત કરીએ તો સાંજનાં સુમારે ગઢડા તાલુકાનાં નિગાળા ગામે ટ્રેન સામે આવી બે મહિલા અને બે પુરૂષે મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસે ગુનો નોંધી ચારેય વ્યક્તિઓની લાશને પીએમ અર્થે મોકલી તેઓની ઓળખવિધિની તજવીજ હાથ ધરી હતી.