ગાંધીનગરમાં આ ઘટના શાસકની સંવેદનાનું ઉદાહરણ પુરૂ પાડે છે. ઘટનાના ઉંડાણ પૂર્વક વાત કરીએ તો ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી(RSU)માં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક દિવસ અચાનક બેભાન થઇને ઢળી પડ્યો. તાત્કાલિક તેને ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો.
ત્યાં ખબર પડી કે દર્દીને બ્રેઇનહેમરેજ છે, ઇન્ફેકશન છે. તબીબોએ વિવિધ રીપોર્ટ્સ કરાવ્યાં. જેમાં જાણવા મળ્યું કે, WBC કાઉન્ટ જે સામાન્ય પણએ 4 થી 11 હજાર હોય છે તે 4.5 લાખ એ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં દર્દીનું બચવું મુશકેલ હતું. પરંતુ તબીબોએ અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી કરીને દર્દીનો જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા . જોકે દર્દીના પરિવારજનોની તમામ નાણાકીય બચત સારવારમાં ખર્ચાઇ ગઇ હતી. પરિવાર દર્દીને અમદાવાદથી પોતાના માદરે વતન તેલંગાણા લઇ જવા આર્થિક રીતે અસક્ષમ હતું.
હતાશ પરિવારને આઇ.સી.યુ. વોર્ડમાં જ દાખલ અન્ય એક દર્દીના સગાએ સલાહ આપી કે, રાજ્યના આરોગ્યમંત્રીને તમારી સમસ્યાની રજુઆત કરો. આઇ.સી.યુ.માં પણ પડોશી ધર્મ નિભાવતા આ સગાએ દર્દીના ભાઇને એમ પણ કહ્યું કે, ગુજરાતના આરોગ્ય મંત્રી દર સોમવાર અને મંગળવાર સામાન્ય જનતાને મળે છે રજુઆત સાંભળે છે.
આ જ આશાનું કિરણ લઇને તેલંગાણાનું પરિવાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયે પહોંચ્યું. સ્થિતિની રજૂઆત પણ કરી.મંત્રીશ્રીએ પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો. અને દર્દીને મદદ કરવા માટે જરૂરી સુચનાઓ આપી.
અન્ય ડિપાર્ટમેન્ટસના સહયોગ, કેન્દ્રીય મંત્રાલયના સહયોગથી આ દર્દીને એરલાઇન્સ મારફતે એરલિફ્ટ કરી તેલંગાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા મોકલવાનું કામ આસાન તો ન જ હતું. દર્દીની શારિરીક સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાતના નિષ્ણાંત તબીબોની ટીમ, નર્સિંગ સ્ટાફ, કેયર ટેકર, અન્ય જરૂરી સપોર્ટીવ મેડિશીન સાથેની વ્યવસ્થા કરવી જરૂરી હતી. મંત્રીશ્રીની સૂચના પ્રમાણે આ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી.
તા. 3 જાન્યુઆરીની રાત્રે 12-15 કલાકે આ દર્દીને એરલિફ્ટ કરીને તેલંગાણા પહોંચાડવામાં આવ્યો . વહેલી સવારે 4-00 કલાકે તેલંગાણાની હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યાં સુધી ગુજરાતની સમગ્ર ટીમ અને ગુજરાતથી મોકલેલ તબીબો પણ દર્દી અને પરિવારજનોની સાથે જ રહ્યા હતા. ત્યાંના તબીબોને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ પણ કરાવ્યા. હાલ આ દર્દી તબીબોની દેખરેખ હેઠળ છે.
દર્દી જ્યારે તેલગાંણા પહોંચી ગયો અને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. સ્થિતિ સંપૂર્ણપણે સ્થિત થઇ ત્યારે ફરી એક વખત મંત્રીએ આ દર્દીના સગા વ્હાલાઓને વીડિયો કોલ દ્વારા વાર્તાલાપ કર્યો . દર્દી અને સમગ્ર પરિવારજનોની સ્વાસ્થ્ય પૃચ્છા કરી. આ વાર્તાલાપ વેળાએ દર્દીના પરિવારજનો ભાવુક બની ગયા હતા અને તેઓએ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આમ આ કિસ્સા થકી રાજ્ય સરકાર અને આરોગ્યમંત્રીએ દર્શાવ્યું કે આરોગ્ય-સેવા માટે ભૌતિક માળખાકિય સુવિધાઓ જેટલી જ અનિવાર્ય છે માનવીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા….