અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં પાંચની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત કોર્ટે 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનામાં મારામારી કરનારા 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
શું હતો મામલો…
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે હિંસાની ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ સંકુલમાં આશરે 20 થી 25 લોકો ઘૂસી ગયા હતા અને ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા નમાઝ અદા કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેણે તમામ વિદ્યાર્થીઓને મસ્જિદમાં નમાઝ અદા કરવા કહ્યું. જો કે આ દરમિયાન લોકોએ વિદ્યાર્થીઓ સાથે દલીલ કરી અને તેમના પર હુમલો કર્યો.
વિદેશ મંત્રાલયે પણ લીધી હતી નોંધ
વિદેશ મંત્રાલયે પણ આ મામલાની નોંધ લીધી છે. જણાવીએ કે, આ ઘટનામાં બે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને મંત્રાલય આ મામલે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે.