કતારની મધ્યસ્થીથી ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ ભલે ચાર દિવસથી બંધ થઈ ગયું હોય, પરંતુ આશંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે. આજે (રવિવાર) યુદ્ધવિરામનો ત્રીજો દિવસ છે. તેની મુદત આવતીકાલે પૂરી થશે. હમાસે યુદ્ધવિરામના બીજા દિવસે બંધકોને મુક્ત કરવામાં વિલંબ કર્યો. આ કારણે, એક ક્ષણ માટે એવું લાગી રહ્યું હતું કે, યુદ્ધવિરામ ભંગ થઈ શકે છે. આખરે મોડી રાત્રે તેણે 50 દિવસની જેલવાસ બાદ 13 ઈઝરાયલી નાગરિકોને મુક્ત કર્યા. જેમાં આઠ બાળકો, ચાર મહિલાઓ અને એક બાળકીનો સમાવેશ થાય છે.
સ્થાનિક અખબાર ટાઈમ્સ ઓફ ઈઝરાયલે, દેશના અધિકારીઓને ટાંકીને વિગતો જાહેર કરી છે કે,, ઈઝરાયલને બંધકોની યાદી આજે (રવિવારે) જાહેર કરવામાં આવી છે. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હમાસે બીજા દિવસે ચાર થાઈ નાગરિકોને પણ મુક્ત કર્યા હતા. હજુ પણ 195 લોકો હમાસની કેદમાં છે.
અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના અધિકારીઓએ રવિવારે સવારે કહ્યું કે, હમાસે પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં ઈઝરાયલ અને વિદેશી બંધકોના બીજા જૂથને મુક્ત કર્યા છે. હમાસે આ લોકોને મુક્ત કરવા માટે આપવામાં આવેલા સમયમાં એક કલાકનો વિલંબ કર્યો હતો. તેનાથી ગાઝામાં યુદ્ધવિરામ સંપૂર્ણ રીતે ભંગ થઈ શકે તેવો ભય વધી ગયો હતો. ઇઝરાયલ જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 39 પેલેસ્ટિનિયન કેદીઓને રવિવારે વહેલી સવારે મુક્ત કરવામાં આવ્યા હતા. શુક્રવારે પણ આવી જ અદલાબદલી થઈ હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સે બીજા દિવસે હમાસને ટાંકીને કહ્યું કે, બંધકોની મુક્તિમાં વિલંબ ઈઝરાયલ દ્વારા કરારના કેટલાક ભાગોને રદ કરવાને કારણે થયો હતો. હમાસે કહ્યું કે, ઈઝરાયલે ઉત્તર ગાઝા સુધી પૂરતી મદદ પહોંચાડવા દીધી નથી. આ ઉપરાંત પેલેસ્ટિનિયન કેદીઓને શરતો મુજબ મુક્ત કરવામાં આવ્યા ન હતા. આના પર ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)એ કહ્યું છે કે, હમાસનો દાવો ખોટો છે. યુદ્ધવિરામની શરતોનું સંપૂર્ણ પાલન કરવામાં આવી રહ્યું છે. રાફા ક્રોસિંગ ખુલ્લું છે. માનવતાવાદી સહાય સાથે 200 ટ્રક ગાઝા પહોંચી છે.