ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રીનાં સુમારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પ્રવેશ કરી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં જઈ તોડફોડ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતા વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તાત્કાલીક બેઠક બોલાવી હતી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી દ્વારા તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાની પણ સૂચના આપવામાં આવી છે.
શિક્ષણના ધામ ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારા હુમલાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના એ બ્લોકના કેમ્પસમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશી વિદ્યાર્થીઓ પર તોફાની તત્વોએ હુમલો કર્યો.નમાઝ પઢવા મુદ્દે વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો હોવાનો દાવો કરાય રહ્યો છે. રમઝાન માસ નિમિત્તે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા હતા જેના કારણે તોફાની તત્વોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતા પોલીસ મામલો વધુ બિચકે તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં આતંક જોવા મળ્યો. વિદ્યાર્થીઓ પર લાકડી વડે હુમલો, વાહનમાં તોડફોડ આ બધુ જ કેમેરામાં કેદ થયું છે. શિક્ષણના ધામને કલંક લગાવતા આ દ્રશ્યો છે. ઘટનાની જાણ થતા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડાયા છે.