છત્રપતિ શિવાજી મહારાજે સ્વધર્મ-સ્વભાષા અને સ્વરાજ માટે આપેલા પ્રદાનને અને વિતેલા યુગ ના ગૌરવને વર્તમાન અને ભાવિ પેઢી સમક્ષ ઉજાગર કરવા માટે મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન દ્વારા ‘શિવસૃષ્ટિ’ પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે.
શિવાજી મહારાજે ‘હિન્દુરાષ્ટ્ર’ સ્થાપના માટે ગુજરાતમાં જે બહુમૂલ્ય યોગદાન આપેલું છે તેનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
શિવાજી મહારાજના જીવન-કવન અને શૌર્યગાથા પર આધારિત હિસ્ટોરિકલ થીમ પાર્ક ‘શિવસૃષ્ટિ’ માં ગુજરાત અને શિવાજી મહારાજના ઐતિહાસિક સંબંધો, ઘટનાઓને દ્રશ્ય-શ્રાવ્ય અને 4D જેવી ટેકનોલોજીથી પ્રસ્તુત કરવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તરફથી રૂ. પાંચ કરોડનો ડોનેશન ચેક મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાનના પદાધિકારીઓને ગાંધીનગરમાં અર્પણ કર્યો હતો.
આ શિવશૃષ્ટિ પ્રોજેક્ટ સમગ્રતયા ચાર ફેઈઝમાં અંદાજે રૂ. ૪૩૯ કરોડના ખર્ચે હાથ ધરાશે તથા તેમાં ઇતિહાસ પ્રેમીઓ માટે હેરિટેજ ટુરીઝમ, શિક્ષણ અને તાલીમનું આયોજન હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તરફથી ડોનેશન ચેક અર્પણ કર્યો તે અવસરે પ્રવાસનમંત્રી શ્રી મુળૂભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજા શિવ છત્રપતિ પ્રતિષ્ઠાન વતી આ ચેક શ્રી સંદીપ જાધવ અને વિનીત ભાસ્કર કુબેરજીએ સ્વીકાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તથા પ્રવાસન સચિવ શ્રી હારિત શુક્લા પણ આ વેળા ઉપસ્થિત રહ્યા હતા.