રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાસંદ શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી સોંપાઈ છે. શક્તિસિંહ ગોહિલ અને AICC મહાસચિવ અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના સ્પેશિયલ ઓર્બ્ઝર્વર તરીકે નિયુક્તિ કરાઈ છે. તો બીજી તરફ આ બાબતે ભાજપ પણ આક્રમકતા પૂર્વક ઉમેદવારોના લિસ્ટ જાહેર કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં ચૂંટણીને લઈ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બાકી રહેલી 76 બેઠકોમાંથી 58 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ યાદી દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તે રાજસ્થાનમાં કોંગ્રેસને કોઈપણ પ્રકારનો વોકઓવર દેવાનો મૂડમાં નથી. સરદારપુરા સીટ પરથી સી એમ અશોક ગેહલોતની સામે મહેન્દ્રસિંહ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે ટોંકમાં સચિન પાયલટ સામે અજીત સિંહ મહેતા રાજકીય મુકાબલો કરશે. માનવામાં આવી રહ્યું છે કે, બાકી રહેતી બેઠકો પર નામો લગભગ ફાઇનલ છે, જે પાર્ટી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.