વડાપ્રધાનના હસ્તે રાજકોટ- સુરેન્દ્રનગર રેલવે ડબલ ટ્રેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ

ભારત સરકાર દ્વારા રેલવે નેટવર્કને મજબુત બનાવવા માળખાગત સુવિધાઓનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ – સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઈનનું ડબલ ટ્રેકિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાનશ્રીનાં હસ્તે રાજકોટ ખાતે થનાર છે. આ ૧૧૬ કિલોમીટર લાંબી રેલવે લાઈન રૂ. ૧૩૫૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. જે તૈયાર થતા રાજકોટને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે તેમજ અમદાવાદ તરફની ટ્રેનોની ઝડપ અને નિયમિતતામાં વધારો થશે. ઉપરાંત, સુરેન્દ્રનગરથી અમદાવાદ હયાત ડબલ ટ્રેકને લીધે રાજકોટ અને અમદાવાદ વચ્ચે સુદ્રઢ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત થશે.

જેને લીધે રાજકોટની અન્ય રાજ્યો સાથે પણ રેલ કનેક્ટિવિટી વધુ સુગમ અને ઝડપી બનશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વધારે સંખ્યામાં ઝડપથી ટ્રેનો ચલાવી શકાશે. વધુમાં આ ટ્રેક ઉમેરાવાથી માળખાગત ક્ષમતા વધતાં વધુ રેલવે ટ્રાફિક ચલાવી શકાશે, જેને લીધે વધારે ગુડ્સ ટ્રેનો દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ ટ્રેક સાથે સાથે તમામ જરૂરી સુવિધાઓ અને સાધનો લગાવવાનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટની મંજુરી વર્ષ ૨૦૧૬-૧૭માં આપવામાં આવી હતી, ત્યાર બાદ સુરેન્દ્રનગરથી શરૂઆત કરીને રાજકોટ સુધી અલગ અલગ સેક્શનને તબકાવાર સ્થાપિત કરવામાં આવ્યા છે. ૭.૦૪ કી.મી.ના સુરેન્દ્રનગર- ચામરાજ ખંડને જાન્યુઆરી ૨૦૧૯માં, ૭.૨૯ કી.મી.ના ચામરાજ દિગસર ખંડને ફેબ્રુઆરી ૨૦૨૦માં, ૧૦.૩૯ દલડી- વાંકાનેર ખંડને ઓક્ટોબર ૨૦૨૧માં, ૮ કી.મી.ના દીગસર-મૂળી રોડ ખંડને એપ્રિલ ૨૦૨૨માં, ૧૪.૩૭ વાંકાનેર- સિંધાવદર ખંડને જુન ૨૦૨૨માં, ૧૯.૩૪ કી.મી.ના સિંધાવદર- બિલેશ્વર તેમજ ૧૬.૬૬ કી.મી.ના મુળી રોડ- વાગડીયા ખંડને ઓક્ટોબર ૨૦૨૨માં, ૯.૧૫ કી.મી.ના બિલેશ્વર-રાજકોટ ખંડને ફેબ્રુઆરી ૨૦૨૩માં કમીશનીંગ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રને સમગ્ર ગુજરાત અને દેશનાં તમામ રાજ્યો સાથે જોડવા માટે વધુ સારા રેલાવે માળખાનું નિર્માણ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર- રાજકોટ ડબલ ટ્રેક ઉપરાંત રાજકોટથી આગળ કાનાલુસ સુધી ડબલ ટ્રેકનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રને સુદ્રઢ રેલવે કનેક્ટિવિટીની ભેટ આગામી સમયમાં મળનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *