ICC વર્લ્ડ કપ-માં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાનારી આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ ચારેય મેચ માં જીત મેળવી છે . પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ ટોચ પર છે જ્યારે ભારત બીજા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 116 વન ડે મેચ રમાઈ છે જેમાં ભારતે 58 અને ન્યુઝીલેન્ડે 50 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી અને 7 મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
આ દરમિયાન ગઇકાલે મુંબઈ ખાતે રમાયેલી મેચ માં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આપેલા 400 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં 170 રન જ બનાવી શકી હતી. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી અન્ય મેચમાં શ્રીલંકાએ નેધરલેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ટોસ જીતીને બેટીંગ પસંદ કર્યા બાદ નેધરલેન્ડે 49 ઓવર અને 4 બોલમાં 262 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ 48 ઓવર અને બે બોલમાં 263 રન બનાવીને જીત મેળવી હતી..