ભારત સાથેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીની જાસૂસી જહાજ ‘ઝિઆંગ યાંગ હોંગ 3’ને માલદીવ સરકારે બંદર પર રહેવાની મંજૂરી આપી છે.માલે સરકારે ચીનના જાસૂસી જહાજ ‘ઝિઆંગ યાંગ હોંગ 3’ જહાજને માલદીવના એક બંદર પર રોકાવાની પરવાનગી આપી છે. આ અંગે ભારતે બુધવારે (24 જાન્યુઆરી) કહ્યું કે અમે જહાજ ‘ઝિઆંગ યાંગ હોંગ 3’ પર નજર રાખીશું.
સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ભારતીય નૌકાદળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘ઝિઆંગ યાંગ હોંગ 3’ પર નજર રાખશે. આ એટલા માટે કરવામાં આવશે જેથી જહાજ માલદીવના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં કોઈ સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓ ન કરી શકે.જો કે માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીની જહાજ ‘ઝિઆંગ યાંગ હોંગ 3’ માલદીવની જળસીમામાં કોઈપણ સંશોધન કાર્ય કરશે નહીં, પરંતુ સમાચાર એજન્સી પીટીઆઈએ ભારતીય સંરક્ષણ સંસ્થાના સૂત્રોને ટાંકીને કહ્યું કે, ભારત જહાજની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ચીનના જહાજને મંજૂરી આપવામાં આવી છે. માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તામાં આવ્યા બાદ અને પદ સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રાના ભાગરૂપે ચીનની મુલાકાત લીધી હતી.
માલદીવે શું કહ્યું?
ચીની જહાજ માલદીવના એક બંદર પર માલદીવ સરકારની પરવાનગી મળ્યા બાદ ઈંધણ ભરવા માટે રોકાશે. માલદીવના વિદેશ મંત્રાલયે મંગળવારે (23 જાન્યુઆરી) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીની સરકારે ‘પોર્ટ કોલ’ માટે જરૂરી મંજૂરી માટે રાજદ્વારી વિનંતી કરી હતી. ‘પોર્ટ કોલ’ એટલે કે જહાજને તેની મુસાફરી દરમિયાન અમુક સમય માટે બંદર પર રોકવું.