ગુરુદ્વારા નનકાના સાહિબ ખાતે શ્રી ગુરુ નાનકદેવજીના પ્રકાશ પર્વની ઉજવણી માટે શીખ શ્રદ્ધાળુઓનું એક જૂથ શનિવારે સવારે અમૃતસરથી પાકિસ્તાન જવા રવાના થયું હતું. આ જૂથનું નેતૃત્વ, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)ની આંતરિક સમિતિના સભ્ય ખુશવિન્દર સિંહ ભાટિયા કરી રહ્યા છે. આ જુથ, ત્યાં ગુરુપર્વ ના કાર્યક્રમોમાં ભાગ લેવા જાય છે. આ મુલાકાત બંને દેશોની પરસ્પર સંમતિથી આયોજિત કરવામાં આવી છે.
એસજીપીસી સચિવ પ્રતાપ સિંહે કહ્યું કે, આ વર્ષે સમિતિએ 1684 શ્રદ્ધાળુઓ માટે વિઝા માંગ્યા હતા, પરંતુ પાકિસ્તાની હાઈ કમિશને માત્ર 788 શ્રદ્ધાળુઓને જ પાકિસ્તાન જવાની મંજૂરી આપી હતી. તેમણે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ આ સમૂહ ગુરુદ્વારા નનકાના સાહિબ અને ગુરુદ્વારા સચ્ચા સૌદા શેખુપુરામાં નમન કરશે. આ સમૂહ 27મી નવેમ્બરે પ્રકાશોત્સવ સમારોહમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે, 29 નવેમ્બરે શીખ શ્રદ્ધાળુઓ ગુરુદ્વારા પંજા સાહિબ જવા રવાના થશે. ભારતીય શીખ શ્રદ્ધાળુઓ 30 નવેમ્બરે ગુરુદ્વારા ડેહરા સાહિબ લાહોર પહોંચશે. 2 નવેમ્બરે આ સંગત, લાહોરથી ગુરુદ્વારા રોડી સાહિબ એમનાબાદ અને કરતારપુર સાહિબના દર્શન કરીને સાંજે લાહોર પરત ફરશે. 3 ડિસેમ્બરે ગુરુદ્વારા ડેહરા સાહિબ લાહોરમાં રોકાયા બાદ શીખ સંગત, 4 ડિસેમ્બરે ભારત પરત ફરશે.