રાજકોટમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ અવનવી પતંગો સાથે આવેલા વિદેશી પતંગબાજોની વિશાળકાય પતંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. તેઓ ઉત્સાહપ્રેરક વાતાવરણમાં રાજકોટમાં પતંગ ઉડાડવાની મજા લેતાં જોવા મળ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વિદેશી પ્રવાસીઓને ભારત સાથે જોડતી કડી છે- ફેબિયન બોઇસલ
જર્મનીથી આવેલ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં પ્રથમ વખત રંગીલા રાજકોટમાં ભાગ લેતા પતંગકાર ફેબિયન બોઇસલ જણાવે છે કે પતંગ એ સંસ્કૃતિ અને લોકજીવનને જોડે છે. બાળપણથી પતંગ ઉડાડવાના શોખમાં આગળ વધી તેઓ જાતે પતંગ બનાવવાનું શરૂ કરીને નવીનતા લાવ્યાં અને પોતાના દેશની સીમાઓ પાર કરીને વિવિધ દેશોમાં પતંગ ઉડાડવા જાય છે. રાજ્ય સરકાર તેમજ ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વિદેશી પ્રવાસીઓને ભારત સાથે જોડતી આત્મીય કડી છે. તેમની ગ્લાઇડર પતંગની સાથે તેમણે પગના નીચેના ભાગ પર ચીતરેલું પતંગનું મોટું રંગબેરંગી ટેટુ ઉપસ્થિત લોકોમાં આકર્ષણ બન્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતની મહેમાનગતિ તેમને હંમેશા વારંવાર આવવા માટે પ્રેરિત કરે છે અને આ માટે તેઓએ રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમનો આભાર વ્યક્ત કર્યો હતો.

પતંગો ઉડાડવા માટે અનેરો થનગનાટ ધરાવતા નેધરલેન્ડનાં ૬૪ વર્ષના સિસ્કા થિયુનીસેન યુવાપેઢી માટે પ્રેરણારૂપ
નેધરલેન્ડથી રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવેલ સિસ્કા થિયુનીસેન જણાવે છે કે, તેઓ વિવિધ ડિઝાઇનના પતંગો જાતે બનાવે છે અને મોટા કદના તેમજ વિવિધ પ્રકારના ૧,૨,૪ દોરીઓથી સંચાલિત પતંગો બનાવીને ઊડાડે છે. યુવાવસ્થાથી જ પતંગ ઉડાડવાનો શોખ ધરાવતા મેડમ સિસ્કા ફાર્માસ્યુટીકલ સ્ટોરમાં કાર્ય કરતા અને હાલ નિવૃત્ત છે અને તેમના પતિ પીટર સાથે અહીં પતંગ ઉડાડવા પધાર્યાં છે. તેઓ ૬૪ વર્ષની ઉંમર ધરાવે છે અને રજાઓમાં તેમની ત્રણ પુત્રીઓ અને પૌત્ર પુત્રીઓ સાથે પણ પતંગ ઉડાડવાનું પસંદ કરે છે. પતંગો ઉડાડવા માટે તેઓ અનેરો થનગનાટ ધરાવે છે અને થાક ભુલીને ખુબ આનંદ માણે છે. તેઓ રાજકોટ પતંગોત્સવમાં પોતાના નામ અંકિત કરેલ ટી શર્ટ અને વિશ્વના વિવિધ જગ્યાઓના બટન સાથેની ખાસ ટોપી પહેરી પતંગ ઉડાવતાનો આનંદ લેતા જોવા મળ્યા હતાં. તેમના જણાવ્યા મુજબ ભારતના લોકો ખુબ માયાળુ અને નિઃસ્વાર્થ વૃત્તિના છે. તેમણે પતંગોત્સવ ઉજવવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત ટુરીઝમનો આભાર વ્યક્ત કર્યો હતો

યુવાપેઢીએ પતંગનો શોખ કેળવવો જોઇએ. લાંબો સમય ફોનથી દુર રહીને પણ પતંગ ઉડાડવાથી આનંદ માણી શકાય છે – વરુણ ચઢ્ઢા
ચંદીગઢ, પંજાબના શ્રી વરુણ ચઢ્ઢા બાળપણથી જ અગાસી પર પતંગ ઉડાડવાનો શોખ ધરાવતા હતાં. હાલ તેઓ ૪૭ વર્ષના છે અને તેમણે ચાઇના, ઇન્ડોનેશિયા સહિત ભારતમાં યોજવામાં આવેલ ગોવા, વૃંદાવન તેમજ અનેક સ્થળોએ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. શ્રી વરૂણ ચઢ્ઢા તેમના પત્ની અને પિતા સાથે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે. તેઓ જણાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આવા સરસ કાર્યક્રમ વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું કામ કરે છે અને વિશ્વ શાંતિનો સંદેશ પ્રસરાવે છે. આ મહોત્સવ આજની પેઢીને અસરકારક સંદેશ આપે છે, લાંબો સમય ફોનથી દુર રહીને પણ પતંગ ઉડાડવાથી આનંદ માણી શકાય છે. યુવા પેઢીને મોબાઇલ અને ગેમિંગની સામે પતંગ ઉડવવા એ ખુબ સારો વિકલ્પ છે. યુવાપેઢીએ પતંગનો શોખ કેળવવો જોઇએ. પતંગ ઉડાડવાની કલા કે શોખ એ મોબાઈલથી દૂર અને સંસ્કૃતિથી નજીક લઇ જનાર છે. ઉત્તરાયણ વિવિધ રંગો અને આકાશ સાથે જોડતો અને ભાઇચારો લાવતો ઉત્સવ છે. યુવાપેઢીને ઉત્સવો સાથે જોડવા પ્રેરીત કરતા આવા પતંગોત્સવના આયોજન માટે તેમણે રાજ્ય સરકારને બિરદાવી હતી.