ગાઝામાં ઈઝરાયેલના હુમલા ચાલુ, 31184 લોકોના અત્યાર સુધીમાં થયા મોત

રમઝાન પહેલા યુદ્ધવિરામના પ્રયાસો સફળ ન થયા હોવા છતાં, સમજૂતી માટેના પ્રયાસો ચાલુ છે. બીજી તરફ ઈઝરાયેલે તેનું સૈન્ય અભિયાન બંધ કર્યું નથી, ગાઝા અને તેની આસપાસના વિસ્તારો પર તેના હવાઈ હુમલાઓ ચાલુ છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 67 પેલેસ્ટાઈનના મોત થયા છે. આમ, ગાઝા યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 31,184 પેલેસ્ટિનિયનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

બીજી તરફ ગાઝામાં ભૂખ્યા લોકોને મદદ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. યુ.એસ., કતાર અને ઇજિપ્તના મધ્યસ્થીઓએ રમઝાનની શરૂઆત પહેલા યુદ્ધવિરામની આશા વ્યક્ત કરી હતી. પણ સફળતા ન મળી. આગામી તબક્કાની વાતચીતની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. યુદ્ધવિરામના બદલામાં હમાસની કસ્ટડીમાંથી બંધકોને છોડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ઈઝરાયેલના કડક વલણને કારણે કોઈ સહમતિ બની શકી નથી.

ગાઝા યુદ્ધમાં 80 ટકા પેલેસ્ટિનિયનો થયા વિસ્થાપિત

પાંચ મહિના સુધી ચાલેલા ગાઝા યુદ્ધમાં 80 ટકા પેલેસ્ટિનિયનો વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ગાઝા અને આસપાસના વિસ્તારોમાં ઈઝરાયેલી દળો દ્વારા હવાઈ હુમલા ચાલુ છે. હિઝબુલ્લાહના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે બીજા દિવસે પણ લેબનોનની બેકા ખીણમાં ઇઝરાયલી હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.

ઈઝરાયેલના હવાઈ હુમલામાં છ લોકો ઘાયલ

તે જ સમયે, સોમવારે લેબનોનના ઉત્તર-પૂર્વ શહેર બાલબાક નજીક ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. રાજ્ય સંચાલિત નેશનલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયલે બાલબેકની દક્ષિણે અન્સાર ગામમાં એક ઇમારતને નિશાન બનાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *