પ્રાકૃતિક ખેતી થકી શિયાળામાં તરબૂચ ઉગાડવાની સિદ્ધિ મેળવતા શિવરાજપુરના ખેડૂત જયંતીભાઈ ઝાપડિયા

શિયાળામાં તરબૂચ મળે ખરા? હવે એવું કોઈ પૂછે તો તેને મધમીઠા તરબૂચ ખવડાવીને જસદણ તાલુકાના શિવરાજપુરના પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈ પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. શ્રી જયંતીભાઈ ઝાપડિયાએ પ્રાકૃતિક ખેતી થકી શિયાળામાં તરબૂચની ખેતી કરી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આ પાકમાં તેમણે બીજથી લઈ ફૂલ અને ફળની જાળવણી, ખાતર વગેરે તમામ બાબતોમાં માત્ર પ્રાકૃતિક ખેતી જ અપનાવી છે.


જયંતીભાઈ કહે છે કે, સામાન્ય રીતે ખેડૂતોમાં અને લોકોમાં પણ એક માન્યતા છે કે બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી સફળ થતી નથી. ફુલ આવવા અને ફળની જાળવણી સમયે તો ખાસ તેને કેમિકલવાળી જંતુનાશક દવા આપવી જ પડે છે પરંતુ આ વાતને સદંતર ખોટી ઠેરવીને અમે માત્ર ઘન જીવામૃત, જીવામૃત, દશપર્ણી, ખાટી છાશ, પંચગવ્ય વગેરે જેવા પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક જંતુનાશકોના ઉપયોગથી આ તરબૂચ ઉગાડ્યા છે. ચાર વિઘામા તરબૂચની ખેતી કરતા જયંતીભાઈને પ્રાકૃતિક ખેતી થકી એક વીઘાએ ૨૦૦ મણનું ઉત્પાદન મળ્યું છે.


જેન્તીભાઈ તરબૂચ ઉપરાંત કાકડી,શેરડી,સીતાફળ, મગફળી, ઘઉં, શેરડી,જુવાર જેવા પાકો પણ પ્રાકૃતિક ખેતીથી જ ઉગાડે છે. તરબૂચ અને કાકડી માટે ખાસ મલ્ચિંગના ઉપયોગ થકી તેમણે જસદણ જેવા પાણીની તકલીફવાળા પ્રદેશમાં પણ તેમણે ખૂબ સારી ગુણવત્તાના ફળ પાકો ઉગાડવામાં સફળતા મેળવી છે. જેમાં તેમને મોટામાં મોટા ૧૧ કિલો સુધીના ફળની આવક પણ પ્રાકૃતિક ખેતી થકી જ થઈ છે. સાથે જ જયંતીભાઈ પોતાની ખેતીમાં ડ્રીપ ઇરીગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે.


સુખનાથ પ્રાકૃતિક ફાર્મ નામક બ્રાન્ડથી જેન્તીભાઈ આ ફળ પાકો પોતાના ખેતરેથી જ વેચે છે. માત્ર એક જ સીઝનમાં ૮૦૦ મણના ઉત્પાદન સાથે આશરે ૩ લાખનો નફો તેમને આ ઓફ સીઝન તરબૂચની ખેતીથી થયો છે ત્યારે રાજ્ય સરકારની મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિની યોજનાઓના લાભો પણ તેઓ મેળવી સાથે જ પ્રાકૃતિક ખેતી થકી ઝીરો બજેટ ખેતી કરી રહ્યા છે.


પ્રાકૃતિક ખેતીના હિમાયતી જયંતીભાઈ કહે છે કે,ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રાસાયણિક ખેતીની સાપેક્ષમાં હાલ મારી જમીનનું કાર્બન લેવલ પણ સુધર્યું છે અને બાગાયતી પાકો સાથે પ્રાકૃતિક ખેતી થકી મારા પાકની ગુણવત્તામાં પણ ખૂબ સુધારો થયો છે. ત્યારે બાગાયતી પાકોમાં ખેડૂતોની માનસિકતા બદલે અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે તો લોકોના સ્વાસ્થ્ય સાથે જ ઝીરો બજેટ ખેતી થકી ખેડૂતોના જીવનનું પણ સ્તર ઉંચુ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *