દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે રાજકોટમાં રૂ. ૧૧૯૫ કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ, રૂ. ૧૨૦ કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કરાશે. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. ૪૮ હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપશે. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મંત્રીશ્રીઓ, મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાનશ્રી ૨૫ ફેબ્રુઆરીએ બપોરે હવાઈ માર્ગે રાજકોટ એઈમ્સ ખાતે પધારશે. અહીં એઈમ્સનું લોકાર્પણ કર્યા બાદ તેઓ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તેઓ રાજકોટના જૂના એરપોર્ટ ખાતે પધારશે. અહીંથી રોડ શોમાં નાગરિકોનું અભિવાદન ઝીલતા તેઓ રાજકોટ રેસકોર્સ ખાતે પધારશે.
રેસકોર્સ ખાતે વિશાળ સભામાં તેઓ રાજકોટ, સૌરાષ્ટ્ર સાથે ગુજરાત તથા દેશના વિકાસને વેગ આપતા વિવિધ ૧૨ જેટલા વિભાગો, મંત્રાલયોના કુલ મળીને આશરે ૪૮ હજાર કરોડથી વધુ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તકે તેઓ જનમેદનીને સંબોધિત કરશે.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતને અંદાજે રૂ. ૩૫,૭૦૦ કરોડની રકમના પ્રકલ્પોની ભેટ મળશે.
વડાપ્રધાનશ્રીના હસ્તે જે લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાના છે, તેમાં નેશનલ હાઈવેના રૂ. ૩૮૦૦ કરોડથી વધુની રકમના વિવિધ પ્રોજેક્ટસ, રેલવે વિભાગના રૂ. ૨૧૦૦ કરોડથી વધુ રકમના પ્રકલ્પ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧૫૫૦ કરોડથી વધુ પ્રોજેક્ટસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના રૂ. ૫૫૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ. ૨૦૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ.૨૫૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન વિભાગના રૂ. ૬૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રૂ.૨૨૦૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના રૂ.૧૧ હજાર કરોડથી વધુની રકમના વિકાસ પ્રકલ્પો, કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના રૂ. ૯ હજાર કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પો, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના રૂ.૨૫૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો તેમજ કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના રૂ. ૧૬ હજારથી વધુ કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગના કેટલાક મહત્વના પ્રોજેક્ટ જોઈએ તો, ભાવનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતા બોય્ઝ અને ગર્લ્સ માટે રૂ.૧૧૮ કરોડના ખર્ચે વિશાળ હોસ્ટેલના કામનું ખાતમુહૂર્ત થશે.
અમદાવાદમાં અસારવા ખાતેની સરકારી ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ઉપરાંત સાત માળની નવી હોસ્પિટલ, નવો લેક્ચર ખંડ તેમજ ગ્રાઉન્ડ ઉપરાંત ત્રણ માળના રેટ્રોફિટિંગ-રીનોવેશનના રૂ. ૧૦૦ કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત, અમદાવાદમાં અખંડાનંદ આયુર્વેદિક કોલેજના રૂ. ૯૨ કરોડનાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા આણંદ ખાતે નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલ તથા આયુર્વેદિક હોસ્પિટલનાં રૂ.૧૬૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ઉપરાંત વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલમાં અનસૂયા લેપ્રસી કેમ્પસમાં કાર્ડિયોલોજી ઈન્સ્ટિ્ટયૂટ અને મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના રૂ.૧૫૦ કરોડનાં વિકાસ-કામોનું ખાતમુહૂર્ત તથા એસ.એસ.જી. હોસ્પિટલ કેમ્પસમાં કેન્દ્રીય ઓ.પી.ડી. બિલ્ડિંગ સાથે સ્પાઈન, કિડની તથા ઓપ્થેલ્મિક હોસ્પિટલના નવા બાંધકામના રૂ.૨૦૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. ૪૩૬ કરોડના ખર્ચે, વોર્ડ બિલ્ડિંગ, ઓ.પી.ડી. બિલ્ડિંગ, ક્રિટિકલ કેર બ્લોક અને નર્સિંગ કોલેજ બનાવવા માટે ભૂમિપૂજન કરાશે