વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતેથી ભારતીય રેલવેના રૂ. 85,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશના વિવિધ રાજ્યોમાં 10 વંદે ભારત ટ્રેન સહિત વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ્સ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ, ઓટોમેટિક સિગ્નલીંગ સિસ્ટમ, ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ જેવા વિવિધ પ્રકલ્પો વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યા.
આ રેલવે પ્રોજેક્ટ્સ અંતર્ગત, અમદાવાદ અને મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના શુભારંભ ઉપરાંત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી કાર્યરત કરવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના 700 જિલ્લામાં એક લાખથી વધુ લોકો જોડાયા હતા.
રેલવેના ઈતિહાસમાં એક જ દિવસમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં વિકાસકામોનો પ્રારંભ થયો હોય તેવો આ સંભવત: પ્રથમ અવસર બની રહ્યો. આ પ્રસંગે કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનિ વૈષ્ણવ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.