લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમલમાં આવેલી આદર્શ આચારસંહિતાના સંદર્ભમાં રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રભવ જોશીએ સ્થાનિક કેબલ નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમાગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરેને તેઓના દૈનિક પ્રસારણની સીડી, દરરોજ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીને પહોંચાડવા ફરમાન કર્યું છે.
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો રજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે ફરમાવ્યું છે કે, સ્થાનિક કેબલ નેટવર્ક, ટી.વી. ચેનલ, સિનેમાગૃહો, એ.એમ. તથા એફ.એમ. રેડિયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરેએ ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમ તરીકે કરેલા પ્રસારણની સી.ડી. જમા કરાવવાની રહેશે. આ આદેશો મુજબ ૧૬મી માર્ચ ૨૦૨૪થી લઈને ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીના ગાળામાં, રોજ સવારે ૬ કલાકથી બીજા દિવસના ૬ કલાક સુધીમાં ઉક્ત માધ્યમોએ કરેલા પ્રસારણની સીડી, બીજા દિવસે સવારે ૧૦.૩૦ સુધીમાં જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના સભ્ય સચિવ તથા સંયુક્ત માહિતી નિયામકશ્રી, જ્યુબિલી બાગ, રાજકોટ કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવાની રહેશે.
આ સી.ડી. પહોંચાડ્યાની પહોંચ મેળવીને તેનો રેકોર્ડ જાળવવાનો રહેશે. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પૂરા થતાં પહેલાં પણ કરવામાં આવેલા પ્રસારણની સી.ડી. માંગવામાં આવે તો તે રજૂ કરવાની રહેશે. તેમજ સંયુક્ત માહિતી નિયામકશ્રી, આદર્શ આચાર સંહિતાની અમલવારી અર્થે નિયુક્ત નોડલ અધિકારીશ્રી તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીએ પણ જરૂરિયાતના કિસ્સામાં કાર્યવાહી કરવાની રહેશે. આ આદેશો તા. ૧૫ મે-૨૦૨૪ સુધી અમલી રહેશે અને રાજકોટ શહેર, રાજકોટ તાલુકા તથા જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન શિક્ષાને પાત્ર ઠરશે.