ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે, જેના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી બનતા ખર્ચ પર નિયંત્રણ અને જુદી જુદી વસ્તુઓના ભાવ નક્કી કરવા તા.૧૯/૦૪/૨૦૨૪ બપોરે ૧૬:૩૦ કલાકે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાશે.
ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે કલેક્ટર કચેરી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે.આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં સંભવિત ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા,રેલી વગેરેના આયોજન અનુસંધાને મંડપ, સ્ટેજ, ફર્નિચર અને આનુસંગિક આઈટમ જેવી કે સાઉન્ડ સિસ્ટમ, ટીવી વગેરેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવશે, સાથે સમાચારપત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા વગેરે મારફત જાહેરાત તથા પ્રચાર-પ્રસાર સભામાં ચા-નાસ્તો, ભોજન તથા રાજકીય પક્ષો દ્વારા હેલિકોપ્ટર- એરક્રાફ્ટનો અને ઉમેદવારો-રાજકીય પક્ષો તરફથી ચૂંટણી સભા અન્વયે વાહનો ભાડે મેળવી ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સૌ વસ્તુઓના ભાવ નિશ્ચિત કરવા માટે અને ખર્ચ પર દેખરેખ રાખવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.