લોકસભા સામાન્ય ચૂંટણી – 2024: દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવશે “SAKSHAM” એપ્લિકેશન

ભારતનું ચૂંટણી પંચ દિવ્યાંગ લોકો (PwDs)ને સુઆયોજિત સેવાઓ પ્રદાન કરીને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની નવી પહેલ અંતર્ગત દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે “Saksham” એપ્લિકેશન બનાવવામાં આવી છે.


દિવ્યાંગોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનાવવા માટે “Saksham” એપ એક મૂલ્યવાન સાધન છે. એપ્લિકેશન ઉપયોગમાં સરળ અને સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે. “Saksham” એપ દિવ્યાંગોને મતદાન માટે નોંધણી કરાવવાનું, તેમનું મતદાન મથક શોધવાનું અને તેમનો મત આપવાનું સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.


લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારોને તેમની મતદાનની પવિત્ર ફરજ અદા કરવા મતદારો માટે વિવિધ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ૯૬૦૧- પુરુષ અને ૫૩૪૯- સ્ત્રી એમ કુલ ૧૪,૯૫૦ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. આ મતદારો માટે રાજકોટ ખાતે ખાસ ૮ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બનાવવામાં આવશે. દિવ્યાંગ મતદારો મતદાન મથકે સ્વયંસેવકોની સુવિધા સહિત ‘SAKSHAM APP’ ના માધ્યમથી એડવાન્સમાં વ્હીલચેરની જરૂરિયાત પણ રજિસ્ટર કરાવી શકશે.


આ એપ્લિકેશનમાં પ્રથમ વખત મતદાન કરનાર દિવ્યાંગએ તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર ફીડ કરવાનો રહેશે. જ્યારે નોંધાયેલા મતદારોએ તેમનો EPIC નંબર એપ્લિકેશનમાં નોંધાવવાનો રહેશે. નોંધણી બાદ બૂથ-સ્તરનો અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ઘરે તેમની મુલાકાત લેશે. તે પછી, મતદાર આઈ.ડી. કાર્ડ તેમના સરનામાં પર મોકલવામાં આવશે, એટલું જ નહીં આ એપ દ્વારા દિવ્યાંગોને મતદાનના દિવસે વ્હીલચેર માટે આગોતરા નોંધણીની સુવિધા પણ આપવામાં આવી છે.


સક્ષમ એપ દૃષ્ટિની ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે અવાજ સહાય, સાંભળવાની ક્ષતિ ધરાવતા દિવ્યાંગોને ટેક્સ્ટ-ટુ-સ્પીચની સુવિધા, મતદાન મથકોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે.


આ એપમાં મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો આપવામાં આવે છે. સાથે જ એપ પર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે દિવ્યાંગોને આવતી કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવી શકાય છે.


રાજકોટ જિલ્લાના દિવ્યાંગો આ એપ્લિકેશન: એન્ડ્રોઇડ ફોન ધારકો https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp&hl=en_IN&gl=US તથા આઇ.ઓ.એસ. ફોન ધારકો https://apps.apple.com/in/app/saksham-eci/id1497864568 લીંક પરથી ડાઉનલોડ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *