ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટના સમાચારે હલચલ મચાવી દીધી હતી. સમગ્ર મામલે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે.
દિલ્હીના હાઈ સિક્યોરિટી એરિયામાં સ્થિત ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટના સમાચાર સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અહીં તૈનાત પોલીસ અધિકારીઓ અને ગાર્ડના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ પાંચ વાગ્યે જોરદાર ધડાકો સંભળાયો. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કહ્યું કે અહીં કશું મળ્યું નથી. જોકે, પોલીસ ટીમને અહીંથી એક પત્ર મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું કે આ પત્ર રાજદૂતને લખવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ્સ જાણવા ફોરેન્સિક ટીમ પત્ર પોતાની સાથે લઈ ગઈ છે. અધિકારીઓએ પત્રનો ફોટો લઈને રાખ્યો છે. પત્ર પર એક ધ્વજ પણ દોરવામાં આવ્યો હતો.
ઈઝરાયેલે શું કહ્યું?
ભારતમાં ઇઝરાયલી મિશનના ડેપ્યુટી હેડ ઓહદ નકાશ કૈનારે કહ્યું, “અમારા તમામ રાજદ્વારીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. અમારી સુરક્ષા ટીમ દિલ્હીની સ્થાનિક સુરક્ષા ટીમ સાથે સંપૂર્ણ સહયોગમાં કામ કરી રહી છે અને તેઓ આ મામલે વધુ તપાસ કરશે.
ઈઝરાયેલ એમ્બેસીના પ્રવક્તા ગાય નીરે કહ્યું કે, અમે એ વાતની પુષ્ટિ કરી શકીએ છીએ કે દૂતાવાસની નજીક વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ હજુ પણ પરિસ્થિતિની તપાસ કરી રહી છે.
શું મળ્યું?
ફોરેન્સિક ટીમના અધિકારીઓએ જણાવ્યું કે અમને ઘટનાસ્થળેથી કંઈ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ વિભાગના એક કર્મચારીએ પણ કહ્યું કે અમને કંઈ મળ્યું નથી. વધુ તપાસ ચાલુ છે.