મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ એમઆઈડીસી માં બ્લુ જેટ હેલ્થકેર કંપનીમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 8 કર્મચારીઓના મોત થયા છે. આ ઘટનામાં હજુ ત્રણ લોકો ગુમ છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ, પોલીસ ટીમ અને હેલ્થ ફાઉન્ડેશનના કાર્યકરો શનિવારે પણ સ્થળ પર ગુમ થયેલા લોકોના મૃતદેહોને શોધી રહ્યા હતા. આ ઘટનામાં મૃતકોના આશ્રિતોને, કંપની તરફથી 30 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલેએ જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ દ્વારા મૃતકોના પરિવારોને વધુ આર્થિક મદદ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં 7 મજૂરો ઘાયલ થયા છે, તમામની સારવાર મહાડની ગ્રામીણ હોસ્પિટલમાં ચાલી રહી છે.
મહાડ એમઆઈડીસી સ્થિત બ્લુ જેટ હેલ્થકેર કંપનીમાં શુક્રવારે સવારે 10 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ પછી કંપનીમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, સાંજ સુધી વિસ્ફોટોનો સિલસિલો ચાલુ રહ્યો અને લગભગ 20-25 બ્લાસ્ટ થયા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ શુક્રવારે મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે કંપનીમાં વિસ્ફોટ અને કેમિકલ લીક થવાના કારણે, કામદારોને શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી, ઘટનાસ્થળે શનિવારે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.