ભારતીય વાયુસેનામાં ફાઈટર વિમાન MiG-21ને આજે અંતિમ વિદાય આપી દેવામાં આવી છે. એટલે કે હવે આ ભારતીય વિમાન આકાશમાં આગામી દિવસોમાં ક્યારેય પણ જોવા મળશે નહીં. ભારત-પાકિસ્તાનની સરહદ પર આકાશનાં શૂરવીરને વિદાય આપવામાં આવી છે. યુદ્ધનાં મેદાનમાં આકાશમાંથી દુશ્મનો પર કહેર વરસાવતા આ ફાઈટર પ્લેન મિગ-21એ બાડમેરનાં ભારતીય વાયુસેના સ્ટેશન ઉત્તરલાઈથી 30 ઑક્ટોબરનાં રોડ છેલ્લી ઊડાન ભરી હતી.

ભારતીય વાયુસેનાનાં શૂરવીર વિમાન મિગ-21ને તેની અંતિમ ઊડ્ડયનની સાથે ઉત્તરલાઈ એરફોર્સથી વિદાય આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષ 1966થી મિગ-21નું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. વર્ષ 1971નાં યુદ્ધમાં MiG-21એ પાકિસ્તાનને પાછુ પાડી દિધુ હતું. જેના કારણે આ વિમાનની ચર્ચા ચારેયબાજુ થવા લાગી હતી.
ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સમાન ફાઈટર વિમાન મિગ-21એ 60 વર્ષ સુધી દેશની સેવા કરી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી તેના વારંવાર ક્રેશ થવાની ઘટનાઓને લીધે તેની સિક્યોરિટી પર સવાલો ઊઠવા લાગ્યાં હતાં. તેવામાં હવે તેને 30 ઑક્ટોબરનાં રોજ વિદાય આપી દેવામાં આવી છે. બાડમેરમાં છેલ્લાં 9 વર્ષોની વાત કરીએ તો અહીં 8 મિગ ક્રેશ થવાની દુર્ઘટના બની છે. બાડમેરમાં છેલ્લીવાર 28 જૂલાઈ 2022નાં ભીમડા ગામમાં મિગ-21 ક્રેશ થયું હતું જેમાં 2 પાયલટ પણ શહીદ થયાં હતાં.