પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, આપણા DRDO વૈજ્ઞાનિકોને દિવ્યાસ્ત્ર માટે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ફ્લાઇટ ટેસ્ટ મિશન હાથ ધરવા બદલ ગર્વ છે.
‘ભારતે આજે મિશન દિવ્યાસ્ત્રનું પરીક્ષણ કર્યું’
માહિતી આપતા ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, “ભારતે આજે મિશન દિવ્યાસ્ત્રનું પરીક્ષણ કર્યું છે. આ મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ ઉડાન પરીક્ષણ હતું. આ પરીક્ષણ સુનિશ્ચિત કરશે કે એક મિસાઈલ વિવિધ સ્થળોએ બહુવિધ હથિયારો તૈનાત કરી શકે છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર એક મહિલા છે અને તેમાં મહિલાઓનું મહત્વનું યોગદાન છે.”
MIRV ટેકનોલોજી શું છે?
મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) એક એવી ટેક્નોલોજી છે જેમાં મિસાઈલ એક સાથે એકથી વધુ પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. જેની મદદથી તમે દુશ્મનના અલગ-અલગ ટાર્ગેટને હિટ કરી શકે છે.
શું છે અગ્નિ 5 મિસાઈલની ખાસિયત?
અગ્નિ 5 મિસાઈલ અગ્નિ શ્રેણીની સૌથી લાંબી રેન્જની મિસાઈલ છે જેની રેન્જ 5000 કિમીથી વધુ છે. અગ્નિ 5 મિસાઈલ દેશની લાંબા ગાળાની સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ લગભગ સમગ્ર એશિયાને તેની સ્ટ્રાઈક રેન્જ હેઠળ લાવી શકે છે, જેમાં ચીનનો ઉત્તરીય ભાગ તેમજ યુરોપના કેટલાક વિસ્તારો પણ સામેલ છે. અગ્નિ 1 થી 4 મિસાઈલ 700 કિમીથી 3,500 કિમીની રેન્જ ધરાવે છે અને તે પહેલાથી જ તૈનાત કરવામાં આવી છે. ભારત પૃથ્વીની વાતાવરણીય શ્રેણીની અંદર અને બહાર પ્રતિકૂળ બેલેસ્ટિક મિસાઇલોને અટકાવવાની ક્ષમતા વિકસાવી રહ્યું છે.