રાજકોટમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ૨૫૦થી વધુ લોકોએ કર્યા સામૂહિક સૂર્ય નમસ્કાર

ગુજરાત રાજ્યમાં આજે એકસાથે સામૂહિક ‘સૂર્ય નમસ્કાર’ થકી સર્જાયેલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં રાજકોટ પણ સહભાગી બન્યું હતું. રાજ્યના ૧૦૮ સ્થળોની સાથે રાજકોટમાં એસ.એ.જી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે, મેયર સુશ્રી નયનાબેન પેઢડિયાની અધ્યક્ષતામાં સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા હતા. જેમાં ૧૦૦થી વધુ નાગરિકો તેમજ વિવિધ શાળાઓના છાત્રો મળીને આશરે ૨૫૦થી વધુ લોકો જોડાયા હતા. 

આ તકે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલ, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી દેવાહૂતિ, અન્ય કોર્પોરેટરોએ પણ સૂર્ય નમસ્કાર કરીને સહભાગીઓનો ઉત્સાહ વધાર્યો હતો. 

આ કાર્યક્રમમાં  રાજકોટનાં મેયર સુશ્રી રાજકોટના મેયરશ્રી નયનાબેન પેઢડિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “યોગનું મહત્વ સમજાવતા આપણા પ્રાચીન યોગગુરુઓએ ‘યોગ ભગાવે રોગ’ એવું સૂત્ર આપ્યું હતું. આજે સૂર્ય નમસ્કાર આટલા મોટા ફલક પર થઈ રહ્યા છે અને વર્વડ રેકોર્ડ સર્જાઈ રહ્યો છે ત્યારે, સૌ સહભાગીઓને શુભકામના પાઠવું છું.”

“આરોગ્ય એ સર્વ સુખની ચાવી છે” તેના પર ભાર મુકતા રાજકોટના ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે, “આપણું આરોગ્ય સારું હશે તો આપણે બધું કરી શકીશું. આપણે સૂર્ય નમસ્કારમાં જોડાઈએ અને અન્યોને પણ જોડીએ.” 

આ પ્રસંગે રાજ્યના મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિક્રમ પૂજારા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ હોદ્દેદારો, કોર્પોરેટરો, અગ્રણી શ્રી શિલ્પાબેન જાવિયા, રાજ્ય યોગ બોર્ડના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

રાજકોટની બાળા રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમે આવી

મોઢેરા ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજકોટની બાળા દૃષ્ટિ ચેતનભાઈ વખારિયા બીજા ક્રમે આવી હતી અને રૂપિયા ૧.૭૫ લાખનો પુરસ્કાર જીતી હતી. આ સાથે રાજકોટની શાળાના બે બાળકોએ મોઢેરા ખાતેના કાર્યક્રમમાં જોડાઈને રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *