દિલ્હીના નોઈડામાં રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ અંગે ફરિયાદ નોંધ્યા પછી એલ્વિશ યાદવને હવે UP પોલીસ 3 રાજ્યોમાંથી શોધી રહી છે. નોઈડા પોલીસ એલ્વિશનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તે તેના સુધી પહોંચી શકી નથી. નોંધનીય છે કે, સેવરોન બેન્ક્વેટ હોલમાંથી મળી આવેલા સાપના ઝેરની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી 9 જુદા જુદા સાપ અને 20ML ઝેર કબજે કર્યા હતા અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.
શું કહેવું છે નોઇડા પોલીસનું ?
નોઈડા પોલીસના ડીસીપી વિશાલ પાંડેએ કહ્યું કે, એલ્વિશ યાદવની શોધ ચાલુ છે કારણ કે, આરોપીઓએ કહ્યું છે કે એલ્વિશ યાદવ રાહુલનો નંબર આપ્યો હતો, જે આવી રેવ પાર્ટીઓનું આયોજન કરે છે. આ દરમિયાન એલ્વિશ યાદવે એક વીડિયો જાહેર કરીને પોતાને નિર્દોષ જાહેર કર્યો છે. એલવિશે વીડિયોમાં કહ્યું કે, તમામ આરોપો પાયાવિહોણા છે. તમામ આરોપો ખોટા છે અને તેમાં 1% પણ સત્ય નથી. તેણે કહ્યું કે મારું નામ બગાડશો નહીં અને હું યુપી પોલીસને સહકાર આપવા તૈયાર છું. જો મારા પર એક ટકા પણ આરોપો સાબિત થશે તો હું તેની જવાબદારી લઈશ. એલ્વિશ યાદવે આ મામલે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ અપીલ કરી છે.
બિગ બોસ વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ એલ્વિશ પર દાણચોરી અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ સાથે તે લોકોની દાણચોરી સાથે પણ સંકળાયેલો હતો. એક NGOએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે નોઈડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.