વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 107મી આવૃત્તિમાં દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. એમ પણ કહ્યું કે, આજે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. આ દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આતંકવાદીઓએ સમગ્ર દેશને ડરાવી દીધો હતો. દેશ આમાંથી બહાર આવ્યો છે. આજે ભારત તેની તમામ તાકાતથી આતંકવાદને કચડી રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, આજે દેશ શહીદ જવાનોને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 26 નવેમ્બર મહત્વપૂર્ણ છે. વર્ષ 1949 માં આ દિવસે, બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. આ દિવસ આપણા માટે ખાસ મહત્વનો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષ 2015માં જ્યારે આપણે બાબા સાહેબની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યા હતા ત્યારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો વિચાર આવ્યો અને ત્યારથી દર વર્ષે આપણે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તેમણે દેશવાસીઓને સંવિધાન દિવસની શુભેચ્છા પાઠવી હતી.