વડાપ્રધાન મોદીએ કહ્યું- ત્રીજા કાર્યકાળમાં ભારત, ચોક્કસપણે ટોપ-3 અર્થવ્યવસ્થામાં થશે સામેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુરતમાં ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે, વિશ્વના સૌથી મોટા અને સૌથી આધુનિક સેન્ટર સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે,” સુરત ડાયમંડ બોર્સ મોદીની ગેરંટીનું પરિણામ છે.” વડાપ્રધાને કહ્યું, “હવે મોદીએ દેશને ખાતરી આપી છે કે, તેમની ત્રીજી ઇનિંગ (કાર્યકાળ) માં, ભારત ચોક્કસપણે વિશ્વની ટોચની-3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.”

વડાપ્રધાને કહ્યું કે,” 2014માં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સમાં તેમણે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (એસએનઝેડ) બનાવવાનું સપનું આગળ ધપાવ્યું હતું. હવે આ સપનું સુરત ડાયમંડ બોર્સ દ્વારા, સાકાર થયું છે.” આને મોદીની ગેરંટી સાથે જોડતા વડાપ્રધાને કહ્યું કે,” તેમના છેલ્લા બે કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા 10માં સ્થાનેથી 5માં સ્થાને પહોંચી ગઈ છે. તેની ગેરંટી એ છે કે, આગામી ટર્મમાં તે 5મા સ્થાનેથી ત્રીજા સ્થાને જશે. આમાં નિકાસનો મોટો ફાળો રહેશે. આ માટે વડાપ્રધાને સુરત ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને તેના નિકાસ લક્ષ્યાંકમાં વધારો કરવા અપીલ કરી હતી.”

તેમણે કહ્યું, “આજકાલ તમે બધા ‘મોદી કી ગેરંટી’ વિશે ઘણી વાતો સાંભળતા હશો. તાજેતરના ચૂંટણી પરિણામો બાદ આ ચર્ચા વધુ વધી છે, પરંતુ સુરતના લોકો ‘મોદીની ગેરંટી’ વિશે, ઘણા સમયથી જાણે છે. અહીંના મહેનતુ લોકોએ ‘મોદીની ગેરંટી’ને વાસ્તવિકતામાં ફેરવતી જોઈ છે અને ‘સુરત ડાયમંડ બોર્સ’ પણ આ ગેરંટીનું ઉદાહરણ છે.”

વડાપ્રધાને કહ્યું કે,” સુરતનો હીરા ઉદ્યોગ પહેલાથી જ 8 લાખથી વધુ લોકોને રોજગારી પ્રદાન કરી રહ્યો છે. હવે સુરત ડાયમંડ બોર્સમાંથી 1.5 લાખ લોકોને રોજગારી મળવાની છે. સુરત એક સમયે ‘સન સિટી’ તરીકે જાણીતું હતું. અહીંના લોકોએ પોતાની મહેનતથી તેને ડાયમંડ સિટી અને સિલ્ક સિટી બનાવ્યું. તમે બધાએ, વધુ મહેનત કરી અને સુરત એક બ્રિજ સિટી બન્યું. આજે સુરત લાખો યુવાનો માટે, ડ્રીમ સિટી છે અને હવે સુરત આઈટી ક્ષેત્રે પણ પ્રગતિ કરી રહ્યું છે.”

નોંધનીય છે કે, ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું, અને આધુનિક કેન્દ્ર હશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. એક્સચેન્જમાં આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ સુવિધાઓનો સમાવેશ થશે.

આનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે,” સુરત ડાયમંડ બોર્સ ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય ડિઝાઇનર્સ, ભારતીય સામગ્રી અને ભારતીય ખ્યાલોની ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. આ ઇમારત નવા ભારતની નવી તાકાત અને નવા સંકલ્પનું પ્રતિક છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *