પ્રધાનમંત્રીશ્રીના ટી.બી.મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અન્વયે તા. ૧૦/૧/૨૦૨૪ના રોજ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ર ખાતે ૧૫ ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટ અને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
ટીબીના દર્દીઓને રોગનો સામનો કરવા માટે પોષણયુક્ત આહારની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, આ માટે રાજકોટના સેવાભાવી દાતાશ્રીઓના સહયોગથી ૧૫ ટીબીના દર્દીઓને પોષણ આહારની કીટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પોષણ કીટમાં મગ, તુવેરદાળ, મસુર દાળ, અડદ દાળ, ચણા, ચોળી, શીંગદાણા, દાળીયા, ખજૂર, ગોળ, ચોખા જેવા પોષણયુક્ત ખાદ્યપદાર્થોનો સમાવેશ કરાયો હતો.
રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રના અધિકારી ડૉ.સુરેશ લકકડ તથા ખીરસરા આરોગ્ય કેન્દ્રના ડૉ.ચંદ્રપાલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.